આજના સમયમાં વધારે પડતા વોલ્યુમ સાથેના ડીજે, હેડફોન્સ તેમજ ટ્રાફિકમાં મસમોટાં હોર્ન વગાડતા વાહનો અત્ર તત્ર દેખાઈ આવે છે. પણ હવે આ ધ્વનિ પ્રદૂષણને કારણે યુવા પેઢીઓમાં કાનની સમસ્યાઓ શરૂ થઈ છે.
ઈએનટી સર્જન ડો.હિમાંશુ ઠક્કર જણાવે છે કે, 3 માર્ચને વિશ્વ આરોગ્ય સંસ્થાએ શ્રવણશક્તિ દિવસ જાહેર કર્યો છે જેથી લોકોમાં કાનની બહેરાશ અન્વયે જાગૃતિ લાવી શકાય. હાલ ધ્વનિ પ્રદૂષણને કારણે નાની ઉંમરમાં પણ બહેરાશનું પ્રમાણ વધી રહ્યું છે. મોબાઈલનો વધુ પડતો ઉપયોગ, હેડફોન્સમાં ઉંચા અવાજે ગીતો સાંભળવા, ટ્રાફિકનો ઘોંઘાટ, ડીજે સહિતના પરિબળો નોઈઝ ઈન્ડ્યુસ હિયરિંગ લોસ નોતરે છે. ઘોંઘાટને કારણે કાનના અંદરના ભાગ કે જેને અંત:કર્ણ કહેવાય છે તેના હેર સેલ્સ કે કોષ એટલા નાજુક હોય છે કે તેમાં એક વખત નુકસાન થાય તો ફરી સાજા થતા નથી અને બહેરાશ નોતરે છે.
આ ઉપરાંત કાનના રોગ જેવા કે રસી આવવી, નાની ઉંમરે સતત અને કાયમી રસીની અવગણના, ઓરી અછબડા અને વાઇરસ બાદ કાનમાં સમસ્યા જેવી તકલીફો પણ બહેરાશ લાવી શકે છે. કાનની હાડકી અને કાનની નસ બંને પ્રકારે સાંભળવાની શક્તિ ઓછી થઈ શકે છે અને આખરે મશીન લગાવવાનો વિકલ્પ રહે છે. જેને લઈને હાલની પેઢીએ કાનને લઈને જાગૃત થવાની જરૂર છે અને કોઈપણ પ્રકારના ગેઝેટ કે હેડફોન વાપરતી વખતે વોલ્યુમ નિશ્ચિત મર્યાદામાં રાખવું જરૂરી છે.