સેવાના નામે થતા બિઝનેસ બંધ થાય, સમાજના દાતાઓ દ્વારા જે ફંડ આપવામાં આવે છે તેનો સાચા અર્થમાં ઉપયોગ થાય, કોઇ વ્યક્તિ દ્વારા સમાજને થતી છેતરપિંડી અટકે તે માટે રામાનંદી સાધુ સમાજે મિટિંગમાં નિર્ણય લીધો છે. જે અંતર્ગત રામાનંદી સાધુ સમાજની કોઇ પણ સંસ્થાએ,વ્યક્તિએ સમૂહલગ્ન, યુવક-યુવતીઓનો પરિચય મેળો, સામૂહિક જનોઇ પ્રસંગ, વિદ્યાર્થી સત્કાર સમારંભ, ગુરુ જયંતીની ઉજવણી જેવા કોઈ પણ આયોજનો હોય કે જેમાં સમાજના દાતાઓ પાસેથી ડોનેશન લેવામાં આવતું હોય કે, વ્યક્તિગત આયોજન થતું હોય તે માટે સૌથી પહેલાં સમાજની મંજૂરી લેવી પડશે. તેમ રામાનંદી સાધુ સમાજ ટ્રસ્ટના પ્રમુખ પ્રવીણભાઈ નિમાવતે જણાવ્યું છે. સામાજિક કાર્યક્રમોમાં સમાજની મુખ્ય સંસ્થા સિવાય અન્ય કોઇ પણ લોકો, ગ્રૂપ, સંસ્થા, પ્રાઈવેટ ટ્રસ્ટના નામે કે સમાજના ભળતા નામના બેનર હેઠળ કાર્યક્રમો અને ફંડફાળા કરી શકાશે નહીં.
સમાજના બેનર હેઠળ કે રામાનંદી સમાજના ભળતા નામથી અન્ય લોકો, સૂચિત મંડળો, ગ્રૂપ દ્વારા થતા આયોજનોમાં જેમાં કોઇ પણ પ્રકારના ફંડફાળા થતા હોય તેવા આયોજનો થવા દેવામાં આવશે નહીં. અથવા રામાનંદી સમાજની ગરિમાને લાંછન લગાડવાની કોશિશ કરશે તો તેમના વિરુદ્ધ પોલીસ કાર્યવાહી અને બદનક્ષી દાવો પણ કરવામાં આવશે
રામાનંદી સમાજની મુખ્ય સંસ્થાઓના આયોજનો, કાર્યક્રમોને જ મંજૂરી આપવી. જેમાં સમાજના કાર્યક્રમો દરેક લોકોને સાથે રાખીને કરવામાં આવતા હોય. તેમજ સમાજના દાતાઓ દ્વારા અપાયેલું ફંડ, દાન, ફાળા ફક્ત સમાજના સર્વાંગી વિકાસ માટે, ઉત્કર્ષ માટે વપરાતું હોય અને સમાજની સંસ્થાઓ પાસે વિશ્વાસ પાત્ર જમા રહેતું હોય.