સગીરા અપહરણ કેસમાં દીકરી પરત અપાવવા માતાની હર્ષ સંઘવીને આજીજી

રાજકોટ શહેરમાં ટ્યુશનમાં ગયેલી 15 વર્ષીય સગીરા ભેદી રીતે લાપતા થતાં પ્રદ્યુમનનગર પોલીસે અજાણ્યાં શખસો સામે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જે બાદ સગીરાની માતાએ મિડિયા સમક્ષ આવી તેની દીકરીને પડધરીનો સાહિલ ભગાડી ગયો હોવાનો આક્ષેપ લગાવ્યો હતો, જે બાદ મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ થતાં સગીરા અને તેનું અપહરણ કરનાર શખસ દ્વારા સોશિયલ મીડિયામાં પોતાના વીડિયો ખુલ્લેઆમ અપલોડ કરી સગીરાની માતા અને તેના ભાઈ સામે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.

જોકે, આ આક્ષેપોને ફરિયાદી મહિલાએ પાયાવિહોણા ગણાવી આરોપી સાહિલના આવેશમાં આવી લગાવવામાં આવતા હોવાનું જણાવ્યું છે અને ખુલ્લેઆમ સોશિયલ મીડિયામાં વીડિયો અપલોડ કરનાર સુધી પોલીસ પહોંચી શકતી ન હોવાથી આજરોજ ફરિયાદી માતાએ દિવ્યભાસ્કર સમક્ષ ગૃહમંત્રી હર્ષ સંઘવીને હાથ જોડી દીકરી પરત અપાવવા માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે, આ મામલે ખરેખર સત્ય શું છે? એ પોલીસની તપાસ પૂર્ણ થયા બાદ જ જાણી શકાશે.

સગીરાના અપહરણના 7 દિવસ થવા આવતા હજુ સુધી દીકરી પરત ન મળતા આજ રોજ ફરિયાદી મહિલા ફરી દિવ્યભાસ્કર સમક્ષ આવી પહોંચી હતી. તેણીએ કેમેરા સમક્ષ હાથ જોડી ગૃહમંત્રી હર્ષ સંઘવી પાસે દીકરી પરત અપાવવા માંગ કરી છે. તેઓએ જણાવ્યું હતું કે, ખુલ્લેઆમ વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કરી મારી પર ખોટા આક્ષેપો મારી દીકરી સાહિલના આવેશમાં આવીને લગાવી રહી છે. પોલીસ દ્વારા જલ્દીથી જલ્દી મારી દીકરીને પરત લાવી મને સોંપવામાં આવે એવી મારી માંગ છે. રાત્રે દોઢ વાગ્યે મેં કાઢી મૂકી એવા આક્ષેપ કરે છે તે તદ્દન ખોટા છે કારણ કે, સવારે ચાલીને ટ્યુશન ક્લાસીસ તરફના CCTV ફુટેજમાં દેખાઈ રહ્યા છે અને રાત્રે કાઢી મૂકી તો પોલીસની મદદ કેમ ન માંગી? એવો પણ સવાલ ઉઠાવવામાં આવ્યો છે અને તે માત્ર ને માત્ર સાહિલના આવેશમાં આવી માર પર આક્ષેપ કરી રહી હોવાનું જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *