રાજકોટમાં 11 માર્ચથી 3 દિવસ આંતરરાષ્ટ્રીય વેપાર મેળો યોજાશે

રાજકોટમાં સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા 11થી 13 માર્ચ ત્રિદિવસીય આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું આયોજન કરાયું છે. આ વેપાર મેળો રાજકોટના આજી વસાહત પાસેના અમૂલ સર્કલ એનએસઆઇસી ગ્રાઉન્ડ ખાતે યોજાશે. સતત 11મી વખત 20 કરતા વધુ દેશોમાંથી 150 જેટલા ડેલિગેટ્સ આ આંતરરાષ્ટ્રીય વેપાર મેળાની મુલાકાત લેશે આ આંતરરાષ્ટ્રીય વેપાર મેળાની સાથે 14થી 16 માર્ચ વિવિધ ફેક્ટરીઓની મુલાકાત પણ લેશે. તેમજ 25 હજારથી વધુ સ્થાનિક મુલાકાતીઓ પણ જોડાશે. આ આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં પ્રવેશ વિનામૂલ્યે રાખવામાં આવ્યો છે. ત્રિદિવસીય વેપાર મેળો સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. આ વેપાર મેળામાં 100થી વધુ કંપની પોતાની પ્રોડક્ટનું પ્રદર્શન કરશે. તેમજ સ્ટાર્ટઅપ્સ અને મહિલા ઉદ્યમીને પણ સ્ટોલ ફાળવવામાં આવ્યા છે.

સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય વેપાર મેળો એક મિનિ વેપાર કુંભમેળો કહી શકાય કારણ કે, તેમાં સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એટલેકે વેપારનો ત્રિવેણી સંગમ થાય છે જેમાં નાનામાં નાના ઉત્પાદક કે વેપારી, સરકારી સબસિડીના માધ્યમથી ઓછામાં ઓછા ખર્ચે દેશ-વિદેશનો વેપાર વિકસાવી શકે છે. આ વેપાર મેળામાં ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ-ઈન્ડેક્સટબી, ટૂરિઝમ વિભાગ, માઇનિંગ કોર્પોરેશન, ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ – આઈહબ – સ્ટાર્ટઅપ્સ, ઉદ્યોગ કમિશનર સ્ટાર્ટઅપ સેલનો સહયોગ મળ્યો છે.

ત્રિદિવસીય વેપાર મેળા દરમિયાન વિવિધ સેમિનારનું આયોજન કરાયું છે. 11 માર્ચે બપોરે 3 વાગ્યે સ્ટાર્ટઅપ સેમિનાર, 12 માર્ચે સવારે 10થી બપોરે 1 વાગ્યા સુધી ટૂરિઝમ વિભાગ દ્વારા ચિંતન શિબિર, 3 વાગ્યાથી આઇટી સેમિનાર, 13 માર્ચે સવારે 10 વાગ્યાથી ખેડૂત સંમેલન યોજાશે. આ સંમેલનમાં ઓર્ગેનિક અને પ્રાકૃતિક ખેતી ઉપર માર્ગદર્શન અપાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *