લૂંટની ઘટનામાં ધરપકડ પામેલા માથાભારે શખ્સ સામે વધુ એક ગુનો નોંધાયો

ભગવતીપરામાં ચાર દિવસ પહેલા હોમગાર્ડને લૂટી લેનાર બેલડી સામે વધુ એક ગુનો નોંધાયો હતો. મોરબી રોડ પર ગણેશનગર પાસેના ભગવતીપરામાં રહેતા અને જૂના ટાયર લે-વેચનું કામ કરતાં રાજેશ બચુભાઇ મકવાણાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગણેશનગર ખાડામાં રહેતા મોહિત ચમન ગોહિલ અને તેની સાથેના અેક અજાણ્યા શખ્સનું નામ આપ્યું હતું. રાજેશ મકવાણાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.24ની રાત્રીના દોઢેક વાગ્યે મોહિત ગોહેલ સહિતના બે શખ્સ રાજેશ મકવાણાના ઘર બહાર ધસી ગયા હતા.

રાજેશે ઘર બહાર પાર્ક કરેલી કરામાં પથ્થરમારો કરી કાચ ફોડી નાખી રૂ.30 હજારનું નુકસાન કર્યું હતું. ત્યારબાદ નજીકમાં રહેતા રાજેશભાઇના બહેન લક્ષ્મીબેનના ઘર નજીક જઇ તેમના ઘર પર પથ્થરોના ઘા કર્યા હતા. નજીકમાં આવેલા તેના માસિયાઇ ભાઇ અમિતભાઇના ઘર પર પથ્થરમારો કરી અંદરના લેમ્પ ફોડી નાખ્યા હતા અને બાથરૂમના દરવાજાને નુકસાન કર્યું હતું. ત્યાંથી રાજેશભાઇના મોટાભાઇ હરેશભાઇના ઘરે જઇ તેમના બે ટુ વ્હિલર પર ધોકાવાળી કરી નુકસાન કર્યું હતું અને ઘર પર પથ્થરમારો કર્યો હતો. ત્યાંથી રાજેશભાઇના માતા રાજીબેનના ઘર પર પથ્થરમારો કર્યો હતો. રાજીબેન ઘરની બહાર આવતા હતા ત્યારે ડેલીને આરોપીઓએ અંદરની બાજુ ધક્કો મારતાં રાજેશભાઇના માતા રાજીબેન પડી ગયા હતા અને તેમને હાથમાં ઇજા થઇ હતી. મોહિત ગોહિલે રાજીબેનને ધમકી આપતા કહ્યું હતું કે, ‘તારા દીકરા રાજેશને કહેજે અમે પ્રકાશ સાગઠિયાના માણસો છીએ, રૂ.10 લાખ આપી જાય નહીંતર જાનથી મારી નાખશું. પાંચ પાંચ ઘર પર પથ્થરમારો કર્યા બાદ મોહિત અને તેના મળતિયાએ ભગવતીપરા પુલ નજીક હોમગાર્ડ જવાનને મારકૂટ કરી લૂંટ ચલાવી હતી. લૂંટમાં આરોપીની ધરપકડ થયા બાદ વધુ એક ગુનો નોંધાતા પોલીસે વિશેષ કાર્યવાહી શરૂ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *