ન્યુરોલોજિકલ સર્જન સોસાયટી અોફ ઇન્ડિયા દ્વારા તા.28થી 2 માર્ચ સુધી ગુજરાતમાં પ્રથમ વખત રાજકોટમાં ત્રિદિવસીય ન્યુરો સર્જન કોન્ફરન્સ યોજાઇ રહી છે. મગજ અને મણકાની શ્રેષ્ઠ સર્જરી થાય અને આ સર્જરી બાદ મિનિમમ કોમ્પ્લિકેશન દર્દીને રહે તે અંગે દેશ વિદેશના ન્યુરો સર્જન ચિંતન કરશે.
રાજકોટ ન્યુરો સર્જન એસોસિએશનના યજમાન પદે યોજાઇ રહેલી વિશ્વકક્ષાની આ કોન્ફરન્સ અંગે માહિતી આપતા શહેરના જાણીતા ન્યુરો સર્જન ડો.પ્રકાશ મોઢાએ જણાવ્યું હતું કે, આજના ઝડપી યુગમાં દર ત્રણ મિનિટે એક વ્યક્તિનું અકસ્માતમાં મૃત્યુ થાય છે. મોટા ભાગના અકસ્માતમાં મગજ અને મણકાને ઇજા પહોંચતી હોય છે. આજના સમયમાં પણ સ્પાઇન સર્જરી વિષે લોકોમાં કાયમી અપંગતા અને દુખાવો થવાનો ડર જોવા મળે છે. જોકે પ્રવર્તમાન સમયમાં મણકા માટે ઉત્તમ સારવાર પદ્ધતિ આવી છે જેમાં નાના કાપા મૂકી સર્જરી થઇ રહી છે, જેમાં આજે સર્જરી કર્યા બાદ આવતીકાલે એટલે કે એક જ દિવસમાં દર્દી ચાલતો થઇ શકે છે.
રાજકોટમાં તા.28થી 2 માર્ચ સુધી યોજાનાર ત્રિદિવસીય કોન્ફરન્સના પ્રથમ દિવસે એઇમ્સ હોસ્પિટલ ખાતે રૂ.30 કરોડથી વધુ કિંમતના ઇન્સ્ટ્રુમેન્ટ પર દેશ વિદેશના નિષ્ણાત ન્યુરોસર્જન ઓપરેશનનું ડેમોન્સ્ટ્રેશન આપશે, ત્યારબાદ તા.1-2ના લગુન્સ હોટેલમાં 450થી વધુ તબીબ કોન્ફરન્સમાં ભાગ લેશે અને 300 પેપર પ્રેઝન્ટેશન થશે, આ કોન્ફરન્સમાં રશિયા, કોરિયા, જાપાન, અમેરિકા, ઇન્ડોનેશિયા, લંડન અને મલેશિયા સહિતના દેશોમાંથી 20થી વધુ વિદેશી તબીબો આવી રહ્યા છે. ડો.મોઢાએ કહ્યું હતું કે, યુવા ન્યુરો સર્જનને અનુભવી તબીબો પાસેથી શીખવા મળે, તેઓ સારી સર્જરી કરતા થાય તે આ કોન્ફરન્સનો હેતુ છે, સાથોસાથ ન્યુરો સર્જરી સારી રીતે થઇ ગયા બાદ દર્દીની સારી રીતે સંભાળ રાખવામાં આવે તે માટે આ કોન્ફરન્સમાં ન્યુરો ફિઝિયોથેરાપિસ્ટ અને ન્યુરો નર્સીસને પણ તાલીમ આપવામાં આવશે.