રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પરની પાયલ હોસ્પિટલના લેબર રૂમમાં સીસીટીવી કેમેરા લગાવવાના પ્રકરણમાં ઉલ્ટા ચોર કોટવાલ કો દાંટે જેવો ઘાટ ઘડાયો છે. જિલ્લા આરોગ્ય અધિકારીએ પાયલ હોસ્પિટલના સંચાલકોને પાઠવેલી નોટિસનો જવાબ આપતા કહ્યું કે, કિંમતી સામાનની દેખરેખ માટે સીસીટીવી કેેમેરા લગાવ્યા હતા. સીસીટીવી કેમેરા લગાવીને કોઇ ભૂલ નથી કરી. પાયલ હોસ્પિટલના સંચાલકોએ આપેલા જવાબનો રિપોર્ટ ગુજરાત મેડિકલ કાઉન્સિલને મોકલવામાં આવશે. તેમજ નિર્ણય લેવા માટે ઉચ્ચ કમિટીની બેઠક મળશે. તેમ જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર.આર. ફૂલમાળીએ જણાવ્યું હતું.
પાયલ હોસ્પિટલની તપાસ માટે ટીમની રચના કરવામાં આવી છે. જેમણે રૂબરૂ સ્થળ પર જઇને તપાસ કરી હતી. સીસીટીવી કેમેરા લગાવવા મુદ્દે જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, નિયમ મુજબ આ રીતે કોઈ સીસીટીવી કેમેરા લગાવી શકાય નહિ. પાયલ હોસ્પિટલના સંચાલકોએ નોટિસનો જે જવાબ આપ્યો છે તે અંગે સૌથી પહેલાં કલેક્ટર અને ડીડીઓને ચર્ચા કરીને ઉચ્ચ કમિટીને રિપોર્ટ સોંપાશે. સ્થળ પરની તપાસમાં જિલ્લા આરોગ્ય અધિકારી ઉપરાંત પદ્મકુંવરબા અને સિવિલ હોસ્પિટલના તબીબો પણ જોડાયા હતા. પાયલ હોસ્પિટલના સંચાલકોએ આપેલો જવાબ ગળે ઉતરે એમ નથી. નિયમ મુજબ મહિલાઓ સહિત દર્દીઓની પ્રાઈવસી જાળવવી જરૂરી છે. કમિટીને જવાબ યોગ્ય નહિ લાગે તો ક્રિમિનલ પ્રોસિજર એક્ટ હેઠળ કાર્યવાહી થઇ શકે છે. 17 ફેબ્રુઆરીએ હોસ્પિટલના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા. જેમાં અમદાવાદ પોલીસ તપાસ કરી રહી છે. જોકે હોસ્પિટલના સંચાલકોએ લૂલો બચાવ કરતા કહ્યું હતું કે, સીસીટીવી હેક થવાને કારણે તે વાઇરલ થઈ ગયા છે. આ પ્રકરણમાં અત્યાર સુધી 7 આરોપી ઝડપાયા છે.