ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજથી રાજકોટ સહિત રાજ્યભરમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. એકબાજુ રાજ્યભરમાં તાપમાનનો પારો સતત ઊંચે જઈ રહ્યો છે, ફેબ્રુઆરી માસમાં જ તાપમાન 37 ડિગ્રીને પાર થયું છે ત્યારે આજથી વિદ્યાર્થીઓની પરીક્ષા સાથે વાલીઓની પણ કસોટી થશે. ધોરણ-10માં 45,421 વિદ્યાર્થી, ધોરણ 12 સાયન્સમાં 7684 અને ધોરણ-12 કોમર્સમાં 23,207 વિદ્યાર્થી સહિત જિલ્લામાં કુલ 76,312 વિદ્યાર્થી પરીક્ષા આપવાના છે. બોર્ડની ગાઈડલાઈન અને નિયમો પ્રમાણે વિદ્યાર્થીઓએ આખું પેપર માત્ર બ્લૂ પેનથી જ લખવાનું રહેશે. જવાબ લખવામાં કે અન્ડરલાઈન કરવામાં અન્ય રંગની પેન વાપરી શકાશે નહીં. આ ઉપરાંત જો વિદ્યાર્થીએ મુખ્ય ઉત્તરવહી ઉપરાંત પુરવણી લીધી હોય તો તેને બાંધવા માટે બોર્ડ દ્વારા અપાયેલા સફેદ દોરાનો જ ઉપયોગ કરવાનો રહેશે અન્ય રંગના દોરાથી પુરવણી નહીં બાંધી શકાય.
બોર્ડની પરીક્ષાના પ્રારંભે ગુરુવારે કલેક્ટર, પોલીસ કમિશનર, જિલ્લા શિક્ષણ અધિકારી સહિતના અધિકારીઓ અલગ અલગ શાળાઓમા બોર્ડના વિદ્યાર્થીઓને આવકાશે. પરીક્ષાના પ્રથમ દિવસે તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક અને મોં મીઠું કરાવીને સ્વાગત કરાશે. ધો.10માં આજે ગુજરાતી, ધોરણ 12 સાયન્સમાં ભૌતિકવિજ્ઞાન, કોમર્સમાં અર્થશાસ્ત્રનું પેપર લેવાશે. 17 માર્ચ સુધી કરણસિંહજી હાઈસ્કૂલમાં જિલ્લાનો કંટ્રોલરૂમ કાર્યરત રહેશે. જેના નંબર 76229 21173 છે. સવારે 7થી રાત્રે 8 વાગ્યા સુધી કોઈપણ વિદ્યાર્થીઓ કે વાલીઓ ફોન કરી મદદ માગી શકશે.