નિર્મલા રોડ પર હિટ એન્ડ રન, બાઇકે ઠોકરે લેતા વેપારીનું મોત

શહેરમાં વધુ એક જીવલેણ અકસ્માત સર્જાયો છે. નિર્મલા રોડ પર હિટ એન્ડ રનના બનાવમાં મનહરપુરના વેપારી બાઇકની ઠોકરે ચડી જતાં મોત નીપજતા તેના પરિવારમાં શોક છવાયો છે. બીમાર પત્નીની કાર લઇને દવા લેવા માટે આવ્યા હતા અને કાર પાર્ક કરી પગપાળા રોડ ક્રોસ કરી દવા લેવા જતા હતા ને બનાવ બન્યો હોવાનું બહાર આવતા પોલીસે કાર્યવાહી કરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ જામનગર રોડ પર મનહરપુર-1માં ઉમિયાધાર સોસાયટીમાં રહેતા ફૈઝલભાઇ અહેમદભાઇ સિદ્દીકી (ઉ.48) મંગળવારે તેના પત્ની શાહિદાબેનને તાવ આવતો હોય જેથી તેની દવા લેવા માટે નિર્મલા રોડ પર કાર લઇને આવ્યા હતા અને કાર પાર્ક કરી પત્ની સાથે ક્લિનિકમાં જવા પગપાળા રસ્તો ક્રોસ કરતા હતા ત્યારે અજાણ્યા બાઇકસવારે ઠોકરે લેતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવને પગલે ગાંધીગ્રામ પોલીસ મથકના જમાદાર મયૂરસિંહ જાડેજા સહિતે તપાસ કરતા મૃતકને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું અને ઘર પાસે કરિયાણાની દુકાન ચલાવતા હોવાનું પરિવારે જણાવતા પોલીસે બાઇકસવાર સામે ગુનો નોંધવાની કાર્યવાહી કરી છે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *