ગોંડલમાં મંજૂરી વિના ખડકેલા મીઠાણી ચેમ્બર્સને તોડવા હુકમ

ગોંડલની કડીયાલાઈનમાં મેઇનરોડ પર આવેલા મીઠાણી ચેમ્બર્સનાં કોમર્શિયલ કોમ્પ્લેક્સ ગેરકાયદેસર હોય તોડી પાડવા હુકમ કરાયો છે.

કડિયા લાઈન રોડ ઉપર અંબરીશકુમાર વિજયકુમાર ઉદેશી તથા સહદેવસિંહ હિતેન્દ્રસિંહ જાડેજા દ્વારા નગરપાલિકા પાસેથી બાંધકામની કોઈપણ જાતની પરવાનગી મેળવ્યા વિના ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલ કોમર્શિયલ કોમ્પ્લેક્સ જે મીઠાણી ચેમ્બર્સ તરીકે ઓળખાય છે તે મંજૂરી વિનાના બાંધકામ વિરુદ્ધ અતુલ જયપ્રકાશ ઉદેશી દ્વારા નામદાર ગોંડલ કોર્ટમાં અંબરીશકુમાર વિજયકુમાર ઉદેશી તથા સહદેવસિંહ હિતેન્દ્રસિંહ જાડેજા ઉપરાંત ગોંડલ નગર સેવા સદન ને પ્રતિવાદીઓ બનાવી દાવો કરાયેલ હતો. જે કામે પ્રતિવાદી નં.૧,૨ ના એ પોતાના જવાબમાં બાંધકામની મંજૂરી ન મેળવેલ હોવાની કબુલાત આપી હોવાથી વાદીના એડવોકેટ હરિન એન. પુઆર દ્વારા દીવાની કાર્યરીતિ સંહિતાની જોગવાઇ અનુસાર પ્રતિવાદીની કબુલાત ઉપરથી દાવાનો અંતિમ નિર્ણય આપવા કોર્ટને કરાયેલ અરજી તથા તે અરજી મંજૂર કરવા તેમના દ્વારા થયેલ તર્કસંગત લંબાણપૂર્વકની દલીલો ધ્યાને લઈ જજ આર્યા રામકુમાર દ્વારા વાદીનો દાવો તા. 15/2/2025ના અંશતઃ મંજૂર કરતો આખરી હુકમ કરી ગોંડલ નગર સેવાસદને આવું ગેરકાયદેસર બાંધકામ કરનારા અંબરીશકુમાર વિજયકુમાર ઉદેશી, સહદેવસિંહ હિતેન્દ્રસિંહ જાડેજાને દિવસ-30ની નોટિસ પાઠવી મીઠાણી ચેમ્બર્સ તરીકે ઓળખાતા બાંધકામને તોડી પાડવા, તોડી પાડવાનો ખર્ચ બાંધકામ કરનારા પાસેથી વસૂલ કરવાનો હુકમ ફરમાવેલ છે. આ કામે અતુલ જયપ્રકાશ ઉદેશીના એડવોકેટ તરીકે ધારાશાસ્ત્રી હરિન એન. પુઆર રોકાયેલ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *