રાજકોટનાં વોર્ડ નંબર-15માં 68 લાખના ખર્ચે નવી વોર્ડ ઓફિસનું નિર્માણ કરવામાં આવ્યું છે. આજે MLA ઉદય કાનગડનાં હસ્તે અને મેયર નયનાબેન પેઢડીયાની હાજરીમાં આ વોર્ડ ઓફિસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ વોર્ડ ઓફિસ કાર્યરત થતા હવે વેરો ભરવા માટે, આરોગ્યની પ્રાથમિક સુવિધા માટે અને જન્મ-મરણના દાખલા તેમજ સફાઈ માટેની ફરિયાદોના નિકાલ માટે આ વિસ્તારનાં લોકોને કોર્પોરેશન કચેરી સુધી જવું નહીં પડે. અને અંદાજે 70,000 કરતા વધુ લોકોને આ સુવિધાઓ ઘરઆંગણે મળી રહેશે. જોકે, વિકાસના દાવા કરી રહેલા મનપાનાં શાસકો હજુ વોર્ડ નં.6 ઈસ્ટ ઝોન તેમજ વોર્ડ નં. 12 વેસ્ટ ઝોન વિસ્તાર હજુ પણ વોર્ડ ઓફિસની રાહ જોઈ રહ્યા છે.
પ્રાપ્ત વિગત મુજબ વોર્ડ નં.15માં અગાઉ નાની કચેરી હતી. હવે આધુનિક સુવિધા સાથેની વોર્ડ ઓફિસ 68 લાખના ખર્ચે અમૂલ સર્કલ પાસે બનાવવામાં આવી છે. જેમાં 388 ચો.મી. વિસ્તારમાં કુલ 2311 ચો.મી.નું બે માળનું બાંધકામ કરવામાં આવ્યું છે. આ કચેરીમાં ખાસ દિવ્યાંગો માટે કચેરીમાં જઈ શકાય એવો રેમ્પ બનાવાયો છે તેમજ વેઈટીંગ એરિયા, ટેકસ બ્રાંચ, એસઆઈ અને એસએસઆઈ કચેરી, ટેક્નિકલ સ્ટાફની કચેરી સહિતનાં વિભાગો બનાવવામાં આવ્યા છે તેમજ પાર્કિંગ સહિત તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.
ધારાસભ્ય ઉદય કાનગડે આ તકે જણાવ્યું હતું કે, મનપા દ્વારા મારા મત વિસ્તાર વિધાનસભા-68માં બનાવવામાં આવેલી નવી વોર્ડ ઓફિસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. અહીં તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. જેને કારણે આ વિસ્તારના લોકોને નાના-મોટા કામો માટે કોર્પોરેશનની મુખ્ય કચેરી સુધી ધક્કા ખાવાથી મુક્તિ મળશે. તાજેતરમાં આ વિસ્તારમાં આરોગ્ય કેન્દ્રનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમજ ગટર-રસ્તા અને લાઈટ-પાણી સહિતની સુવિધાઓ અને ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં 10 કરોડ કરતા વધુના ખર્ચે ડામર રોડનાં કામો શરૂ કરવામાં આવ્યા છે અને આ વિસ્તારનો ખૂબ વિકાસ થાય તે માટે મનપા દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેને હું બિરદાવું છું.