સામાન્ય રીતે પશ્ચિમી સંસ્કૃતિમાં 14 ફેબ્રુઆરીને વેલેન્ટાઇન ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે. જ્યારે આપણી ભારતીય આર્ય સનાતન સંસ્કૃતિ વસુધૈવ કુટુમ્બકમને અનુસરે છે. ત્યારે પૃથ્વી પરના જીવમાત્ર પ્રત્યે પ્રેમ, કરુણા અને દયા દાખવવી જોઇએ. ભારતીય સંસ્કૃતિમાં ગાય રાષ્ટ્રની કૃષિ, અર્થકારણ અને અધ્યાત્મની આધારશીલ ગણી એની પૂજ્યતા અને પવિત્રતાનો સ્વીકાર કરાયો છે. આપણા પુરાણોમાં પણ ગાયનો મહિમા લખાયો છે. ત્યારે યુવા પેઢીને ભારતીય ગૌસંસ્કૃતિ તરફ વાળવાનો એક અનોખો પ્રયાસ કરાયો છે.
શ્રીજી ગૌશાળાના 16 ફેબ્રુઆરીને રવિવારના રોજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં શ્રીજી ગૌશાળામાં કાઉ-હગિંગ ડેની ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમ થકી પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણ છોડી આપણી યુવા પેઢીને ગાયની પૂજ્યતા, પવિત્રતા અને ઔષધીય શક્તિનો પરિચય કરાવવા ગૌ વેલેન્ટાઇન સમા કાઉ હગિંગ ડેની ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમનો હેતુ ગીર ઔલાદની સમૃદ્ધ અને સોજી ગાયને ભેટી જન સાધારણ નાગરિક કે યુવાઓ સાત્વિક ઊર્જા મેળવી આરોગ્યલાભ પ્રાપ્ત કરી શકે. ત્યારે આ કાર્યક્રમમાં તમામ લોકોને જોડાવવા માટે શ્રીજી ગૌશાળા દ્વારા અપીલ કરવામાં આવી છે.