મોરબીની સિમ્પોલો સિરામિક કંપનીના માલ મિલકત અને મશીનને વાવાઝોડાને કારણે નુકસાન થયું હતું જે યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીની વીમા પોલિસી હેઠળ સુરક્ષિત હતા જેથી નુકસાની વળતર અંગે વીમા કંપની સમક્ષ ક્લેઇમ દાખલ કર્યો હતો. વીમા કંપનીએ કલેઇમ રજિસ્ટર કરી નુકસાન અંગેની આકારણી કરવા સર્વેયરની નિમણૂક કરી હતી. સર્વેયરે વીમાધારકે રજૂ કરેલા દસ્તાવેજો સહિત થયેલી નુકસાનની આકારણી કરી રૂ. 33.30 લાખનું નુકસાન થયા અંગેનો રિપોર્ટ વીમા કંપનીને સુપરત કર્યો હતો છતાં વીમા કંપનીએ વળતર ન ચૂકવતા વીમાધારક જયેશભાઈ અઘારા દ્વારા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ રાજકોટ સમક્ષ ફરિયાદ કરી હતી.
જે કેસમાં બંને પક્ષકારોની લેખિત રજૂઆતો દસ્તાવેજી પુરાવાઓ તેમજ બંને પક્ષકારોના વકીલોની દલીલો સાંભળ્યા બાદ જિલ્લા આયોગ દ્વારા ફરિયાદ મંજૂર રાખવામાં આવી હતી અને નુકસાન વળતરની રકમ ₹33.30 લાખ ફરિયાદ દાખલ કર્યાથી 6 ટકા વ્યાજ સાથે દિવસ 60માં ફરિયાદીને ચૂકવી આપવા હુકમ કરવામાં આવ્યો હતો.