ધોરાજીમાં પરિણીતાએ સંતાનોના રમવા બાબતે નણંદ અને ભાભી વચ્ચે માથાકૂટ થઇ હતી અને બાદમાં પતિએ આવી તેને લાકડું માર્યાની ફરિયાદ પરિણીતાએ પતિ અને સાસુ વિરુદ્ધમાં નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. છોકરાઓ રમવા જેવી સામાન્ય બાબતે મોટેરાઓ વચ્ચે જામી પડી હતી અને મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
ધોરાજીનાં ફરિયાદી સલમાબેન બોદુભાઈએ ફરિયાદમાં જણાવ્યું છે કે, મારાં નણંદ ફરજાનાબેન ઇમરાન આઠ વર્ષથી રીસામણે છે. તે અમારાથી અલગ રહે છે. પણ તેના બે દિકરા અમારી સાથે રહે છે. મારા બન્ને દીકરા તેમજ મારી નણંદના બન્ને દીકરા ચારેય ઘરમાં રમતા હતા.મારા દીકરા રૂમ અંદર રમતા હતા ત્યારે મારા નણંદના દીકરાએ રૂમનો દરવાજો બહારથી બંધ કરી દીધો, જેથી મેં મારા નણંદના દિકરાને કહ્યું કે, બારણું કેમ બંધ કર્યું. આમ કહ્યું ત્યાં મારા સાસુ સલમાબેન આવી ગયા હતા મને જેમ ફાવે તેમ અપશબ્દો આપવા લાગ્યા. તેવામાં મારા પતિ ઘરે આવી જતા સીધા મને ફળીયામાં લાકડુ પડેલ હતુ તે લઈને પગમાં આડેધડ ઘા મારી દીધા હતા તથા થોડા દિવસ પહેલા પણ ઢીકાપાટુનો માર માર્યો હતો, અવાર નવાર ખોટી રીતે ઝઘડો કરીને મારી સાથે ગેરવર્તન કરતા હતા . એટલું જ નહીં, મારી પાસેથી દાગીના લઇ લીધા અને મને ધમકી આપી હતી કે હું દવા પીને તારા પપ્પા ઉપર કેસ કરીશ. આ પછી ઝઘડો કરી મારાં પતિ ચાલ્યા ગયા. બાજુમાં રહેતા મારા મામાજી સસરાના દીકરા નદીમભાઇ મને કારમાં હોસ્પિટલે લઈ ગયા હતા પોલીસ સમક્ષ ફરીયાદ નોંધાવતા પોલીસે પતિ તથા સાસુ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.