આચાર્ય વિદ્યાર્થિનીને લાફો મારે, સિનિયર વિદ્યાર્થિની પજવણી કરે

રાજ્યમાં એકબાજુ ‘બેટી પઢાઓ’ અને ‘ભણે ગુજરાત’ના સૂત્રો સાથે વધુમાં વધુ વિદ્યાર્થીઓને શિક્ષણમાં જોડવાના પ્રયાસો થઇ રહ્યા છે, પરંતુ બીજી બાજુ રાજકોટ જિલ્લામાં છેલ્લા 10 દિવસમાં શિક્ષણજગત માટે શરમજનક 5 એવી ઘટના બની છે જેનાથી ‘કેવી રીતે પઢે બેટી?’ એવો સવાલ વાલીઓમાં ઉપસ્થિત થયો છે.

કારણ કે, છેલ્લા 10 દિવસમાં રાજકોટ શહેર અને જિલ્લામાં ક્યાંક આચાર્યએ વિદ્યાર્થિનીને હોમવર્ક નહીં કરવા બદલ લાફો મારતા વિદ્યાર્થિની નાસી ગઈ, સિનિયરોએ ધો.6ની વિદ્યાર્થિનીની પજવણી કરી, સ્કૂલના કેટલાક વિદ્યાર્થી વિદ્યાર્થિનીની છેડતી કરે, આવી ઘટનાઓ વધતા હવે સરકારની ‘બેટી પઢાઓ’ સૂત્ર પોકળ સાબિત થયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. વિદ્યાર્થીઓ સાથે હેરાનગતિની ઘટનાઓ વધી છે, વાલીઓ શાળા સંચાલકોને ફરિયાદ કર્યા કરે છે, વિદ્યાર્થી સંગઠનો જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કર્યા કરે છે અને જિલ્લા શિક્ષણાધિકારી તપાસ કમિટીની રચના કર્યા કરે તેવી સ્થિતિ સર્જાઈ છે.

શહેરના મવડી પાળ રોડ ઉપર આવેલી તપન સ્કૂલમાં ધોરણ-8ની વિદ્યાર્થિનીને પ્રિન્સિપાલ મેડમ દ્વારા નજીવી બાબતમાં તમાચા મારી ધક્કો મારવામાં આવ્યો. જે ત્યારબાદ વિદ્યાર્થિની સવારે 10.15 વાગ્યા આસપાસ શાળા છોડીને જતી રહી હતી. જેની જાણ શાળાએ વાલીને કરતા વાલી અને પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરી હતી, ત્યારે વિદ્યાર્થિની સાંજે 7.30 વાગ્યે મળી આવી હતી. આમ, વિદ્યાર્થિનીને મનમાં લાગી આવતા શાળા છોડીને જતી રહી હતી અને વિદ્યાર્થિની સાથે તે 8 કલાકના સમયમાં કોઈ અનિચ્છનીય ઘટના બની હોત, તો જવાબદાર કોણ? તેણે કોઈ ખોટું પગલું ભર્યું હોત, તો જવાબદાર કોણ? તેવા સવાલો સાથે CYSSના આગેવાનોએ ગુરુવારે ડીઈઓ કચેરીમાં હલ્લાબોલ કરીને જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *