કાલે 21 જાન્યુઆરીના રોજ ખોડલધામ મંદિરને 8 વર્ષ પૂર્ણ થશે. ત્યારે આ મહોત્સવની ઉજવણીના દિવસે ખોડલધામ ઉત્તર ગુજરાત સંડેર ગામ ખાતે 1008 શિલાપૂજન સમારોહ યોજાશે.જ્યાં ઉત્તર ગુજરાતની ધરતી પર નિર્માણ પામશે મા ખોડલનું ધામ. શિલાપૂજનમાં 1008 પરિવાર જોડાશે. આ શિલાપૂજન સમારોહમાં ઠેર-ઠેરથી ભાવિકો પધારશે. પૂજનવિધિ પૂર્ણ થયા બાદ મહાપ્રસાદનું આયોજન કરાયું છે.
આયોજકના જણાવ્યાનુસાર ખોડલધામ ઉત્તર ગુજરાત- સંડેરના 1008 શિલાપૂજન સમારોહનું આમંત્રણ આપવા માટે મા ખોડલનો રથ ઉત્તર ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં ફર્યો હતો. મહેસાણા જિલ્લાના ફિંચડી ગામે રથ પરિભ્રમણનું સમાપન થયું હતું. આમ કુલ 28 દિવસમાં મા ખોડલનો રથ 250થી વધુ ગામડાં અને શહેરી વિસ્તારમાં 3 હજારથી વધુ કિલોમીટર ફર્યો હતો અને ઠેર-ઠેર આરતી કરવામાં આવી હતી. સાથે જ દરેક ગામમાંથી એક-એક શિલા લેવામાં આવી હતી. આ શિલાનો ઉપયોગ ખોડલધામ ઉત્તર ગુજરાતમાં સંડેર સંકુલના નિર્માણ કાર્યમાં કરવામાં આવશે. શિલાપૂજનની વિધિ સવારે 7.00 કલાકે શરૂ થશે. હિંદુ શાસ્ત્રોક્ત વિધિથી શિલાનું પૂજન કરવામાં આવશે.