રાજકોટમાં અને ગ્રામ્ય વિસ્તારમાં રહેતી દીકરીઓનો અભ્યાસ આર્થિક સંકડામણને કારણે અટકે નહિ તે માટે સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશને પહેલ હાથ ધરી છે. જેમાં 6820 વિદ્યાર્થિનીને રૂ.4 કરોડની વ્યાજ મુક્ત લોન- સહાય આપવામાં આવી છે. આ પહેલને કારણે વિદ્યાર્થિનીઓએ પોલીસ ડિપાર્ટમેન્ટ, નર્સિંગ, તલાટી કમ મંત્રી, વન વિભાગ સહિતના ક્ષેત્રમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે અને તેની ઉજ્જવળ કારકિર્દીનું નિર્માણ કરી શકી છે. તેમજ સંસ્થા દ્વારા વાંચન શિબિર, પર્યાવરણ સુરક્ષા, વ્યસન મુક્તિ, આરોગ્ય સેવા, સ્વચ્છતા અભિયાન, લલિતકલા સહિતની પણ કામગીરી કરવામાં આવે છે.
ગ્રામીણ બાળકોના શૈક્ષણિક, શારીરિક, સામાજિક વિકાસ માટે સિસ્ટર નિવેદિતા સ્કૂલ ઓન વ્હિલ્સની પ્રવૃત્તિઓનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. એક નાનકડા વિચારબીજમાંથી પ્રારંભ થયેલ આ કાર્યક્રમ આજરોજ સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાઓ રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, મોરબી અને બોટાદ જિલ્લાની ગ્રામીણ વિસ્તારની 100 શાળા, 16000 વિદ્યાર્થી અને 650 જેટલા શિક્ષકને લાભ મળ્યો છે.વર્ષ 2009-10થી અભ્યાસમાં તેજસ્વી, પરંતુ આર્થિક જરૂરિયાતમંદ કન્યાઓને ધોરણ 9થી 12 સુધીનો અભ્યાસ પૂરો કરાવવા માટે કન્યા વિદ્યોતેજક સ્કોલરશિપ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. પરિણામે કન્યા કેળવણીમાં વધારો થયો છે. તેમ સિસ્ટર નિવેદિતા નિરંતર શિક્ષણ કેન્દ્રના નિયામક દીપકભાઈ જોશીએ જણાવ્યું હતું.