રાજકોટમાં વિપક્ષ વિહોણું જનરલ બોર્ડ

રાજકોટ મનપા કચેરીએ આજે 48 વર્ષ બાદ બદલાયેલા નિયમો સાથે જનરલ બોર્ડ મળ્યું હતું. જેમાં સૌપ્રથમવાર બે મહિલા માર્શલની નિમણૂક કરવામાં આવી હતી. જોકે આ બોર્ડમાં વિપક્ષનાં 4 પૈકી એકપણ કોર્પોરેટર હાજર ન રહેતા સ્ટેન્ડિંગ ચેરમેને આક્ષેપો કર્યા હતા અને જણાવ્યું હતું કે, તમામ કોંગી કોર્પોરેટર દ્વારા રજા રિપોર્ટ મૂકવામાં આવ્યા છે. કોંગ્રેસના એક પણ કોર્પોરેટર સક્રિય નથી. તે માત્ર મીડિયામાં છવાઈ જવા નોટંકી કરે છે. બીજીતરફ નવા નિયમ મુજબ પ્રેક્ષક ગેલેરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ ગેલેરીમાં જગ્યા હોવા છતાં ફૂલ હોવાનું જણાવીને પ્રવેશ નહીં અપાતા કેટલાક નાગરિકોએ વિરોધ નોંધાવ્યો હતો.

રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ દર બે મહિને મળતું હોય છે. જેમાં પ્રજાના પ્રશ્નોને લઈ ચર્ચાઓ થતી હોય છે, પરંતુ બે મહિને યોજાતા જનરલ બોર્ડમાં પણ કોંગ્રેસના એકપણ કોર્પોરેટર હાજર ન રહ્યા હોવાનું સામે આવ્યું છે. કોંગ્રેસના ચારેય કોર્પોરેટરો દ્વારા અગાઉથી જ રજા રિપોર્ટ મૂકી દેવામાં આવ્યો હતો. જનરલ બોર્ડમાં કોંગ્રેસના એક પણ કોર્પોરેટર હાજર નહીં રહેતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. જોકે અગાઉ કોંગ્રેસના નગર સેવકોએ જનરલ બોર્ડ અંગે સમયસર જાણ કરવામાં નહીં આવી હોવાનો આરોપ લગાવ્યો હતો. જેને લઈને આ મુદ્દે બોર્ડમાં તડાફડી થવાના એંધાણ હતાં. પરંતુ આજે એકસાથે ચારેય કોર્પોરેટરો ગેરહાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *