મનપાના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારની કચેરીમાં ઘૂસી તોડફોડ કરી તેમના પર હુમલો કરવાના 18 વર્ષ જૂના કેસમાં એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આઇ.એમ.શેખે ધારાસભ્ય ઉદય કાનગડ સહિત તમામ આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો હતો.
રાજકોટ મહાનગરપાલિકાએ તેમની માલિકીના એક સરકારી પ્લોટમાંથી દબાણ દૂર કરતા ભાજપના વર્તમાન સત્તાધીશો એટલે કે કોર્પોરેટરોએ તે અટકાવવા ભલામણ કરી હતી જે ભલામણ મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારે ગ્રાહ્ય ન રાખતા તા.19-4-2006ના રોજ બપોરે 1 વાગ્યે ધારાસભ્ય ઉદય કાનગડ, શહેર ભાજપના પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણી, કશ્યપ શુક્લ સહિતના 22 જેટલા કોર્પોરેટરે કમિશનર કચેરી પર હલ્લાબોલ કર્યો હતો.
આ સમયે બંદોબસ્તમાં રહેલા પોલીસે લોખંડની ગ્રીલ બંધ કરી દેતા તે તોડી નાખી તમામ કોર્પોરેટરોએ મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારની ચેમ્બરમાં ધસી જઇ ટેબલ સહિતનું ફર્નિચર, લેપટોપ, ચશ્મા સહિતની તોડફોડ કરી મુકેશકુમાર પર હુમલો કર્યો હતો અને પોલીસ સાથે પણ ઝપાઝપી કરી હતી.
આથી મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર રતનભાઇ કાનજીભાઇ મહેશ્વરીએ એ.ડિવિઝન પોલીસ મથકમાં પબ્લિક પ્રોપર્ટીને રૂ.1.25 લાખનું નુકસાન, મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ અને પોલીસ સ્ટાફ પર હુમલો, ફરજમાં રુકાવટ, રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસે 22 કોર્પોરેટર સામે આઇપીસી કલમ 143,147, 149, 186,332, 353, ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ 3 અને 7 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધર્યા બાદ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું.