કટારિયા ચોકડી પાસેના ઇસ્કોન મંદિર પાસે આદિત્ય હાઇટ્સમાં રહેતા ઉષાબેન જાની નામની મહિલાએ છઠ્ઠા માળેથી ઝંપલાવી આપઘાત કરી લીધાના બનાવમાં યુનિવર્સિટી પોલીસે મહિલાને મરવા મજબૂર કરવા અંગે 8 શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
મહિલાનો પુત્ર મિલન પ્રેમલગ્ન કરી નાસી ગયો હોય જે બાબતે યુવતીના પરિવારના શખ્સોએ ઘેર આવી ધમાલ મચાવી નાના પુત્રનું અપહરણ કરી ગયા હતા બાદ ફરી પુત્રને ઘેર લઇને આવ્યા હતા. આ દરમિયાન પુત્રને આરોપીઓ ધમકાવતા હોય જેથી ડરીને મહિલાએ આપઘાત કરી લીધો હતો.
પોલીસે આપઘાત કરનાર ઉષાબેનના પુત્ર ગૌતમભાઇ જાનીની ફરિયાદ પરથી જલાભાઇ સભાડ, ગોપાલ સભાડ, વિજય સભાડ, મનીષ સભાડ, મેહુલ સભાડ, કવા, વિમલ અને સાગર સભાડ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પીઆઇ પટેલ સહિતના સ્ટાફે તપાસ કરતા ગૌતમ જાનીએ જણાવ્યું હતું કે તેના મોટા ભાઇએ પાયલ જલાભાઇ સભાડ નામની યુવતી સાથે કોર્ટ મેરેજ કરી નાસી ગયા હોય જલા સભાડ સહિતે ઘેર આવી ધમાલ મચાવી હતી અને માતા સહિતને મારકૂટ કરી હતી અને બાદમાં ગૌતમને ઇકો કારમાં બેસાડી તારો ભાઇ ક્યા છે કહી અપહરણ કરી ગયા હતા બાદમાં અન્ય એક કાર આવી હતી જેમાં શખ્સો સાથે હતા બાદમાં તેને સમેગા ગામ તેના માસીના ઘેર લઇ ગયા હતા બાદમાં બે દિવસ ગોંધી રાખી ઘેર લાવી તેના ભાઇને હાજર રાખવા માટે ધમકીઓ આપતા હોય તે તેની માતાએ શખ્સોથી ડરીને આપઘાત કરી લીધાનું બહાર આવતા પોલીસે આરોપીઓના નિવાસ સ્થાન ભીડભંજન સોસાયટી તેમજ અનુરાગની બાજુમાં રંભામાની વાડી નજીક દરોડા પાડ્યા હતા, પરંતુ આરોપીઓ નાસી છૂટ્યા હતા.