નવી દિલ્હીની રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીના ડિરેક્ટર જનરલ દ્વારા આગામી તા.3થી 16 સુધી સવારે 9થી સાંજના 6 સુધી યુજીસી નેટની પરીક્ષાનું આયોજન કરેલ છે. આ પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઇ અને પરીક્ષાની કાર્યવાહીમાં કોઇપણ જાતની રુકાવટ ન આવે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે દરખાસ્ત કરેલ છે. જેના અનુસંધાને અધિક જિલ્લા કલેક્ટર એ.કે.ગૌતમે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારપરીક્ષા કેન્દ્રો પર જણાવેલ તારીખ અને સમય માટે તેની આસપાસના 300 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ગેરરીતિ કરવાના ઇરાદાથી કે અનિયમિતતા ઊભી કરવા અને પરીક્ષા કાર્યમાં ખલેલ પાડવાના ઇરાદાથી ચાર કરતાં વધુ વ્યક્તિઓએ એકત્રિત થવું નહીં અથવા કોઇ સભા ભરવી નહીં કે સરઘસ કાઢવું નહીં. તેમજ પરીક્ષા સ્થળે વિજાણુ ઉપકરણો જેવા કે મોબાઇલ ફોન, વિજાણુ ઘડિયાળ અને તે પ્રકારના સાધનો કે યંત્રો લઇ જવા નહીં. તેમજ રાજકોટ ગ્રામ્ય વિસ્તારના કાલાવડ રોડ પર મેટોડા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ ખાતે વિરલ શોપિંગ અને વિરલ એવન્યુ ખાતે આવેલા આઇઓન ડિજિટલ ઝોન આસપાસના 300 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં આવતા સાયબર કાફે, ફોટોકોપી કે ઝેરોક્સ અને પ્રિન્ટિંગ શોપ્સ, ઝેરોક્સ કે લીથો મશીન પણ પરીક્ષા સમય દરમિયાન બંધ રાખવા હુકમ ફરમાવ્યો છે.