શહેરમાં બેડી ચોકડી પાસે બેકાબૂ કારે ઠોકરે લેતા બાઇકસવાર યુવકનું મોત નીપજ્યું હતું. એકના એક અને અધારસ્થંભ અેવા પુત્રનાં મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. બનાવને પગલે બી.ડિવિઝન પોલીસે તપાસ કરતાં યુવક નવાગામ નજીક સાત હનુમાન મંદિર પાસે નોકરી કરતો હોય ત્યાથી ઘેર જતા હતો અને આ બનાવ બન્યાનું તેમજ બનાવ બાદ કાર રેઢી મૂકી નાસી જનાર કારચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મોરબી રોડ પર જકાતનાકા પાસે જમના પાર્કમાં રહેતો અનિકેત પ્રકાશભાઇ માયાણી (ઉ.21) તેનું બાઇક લઇને જતો હતો ત્યારે બેડી ચોકડી પાસે કારે ઠોકરે લેતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવને પગલે એએસઆઇ બકુત્રા સહિતે તપાસ હાથ ધરી હતી.