રાજકોટમાં રાજાશાહી સમયનો પુલ બિસ્માર

રાજકોટ મનપા દ્વારા એકતરફ વિકાસ અને સ્માર્ટસિટી જેવી મોટી-મોટી વાતો કરવામાં આવી રહી છે. તો બીજી તરફ રાજાશાહી સમયની ધરોહરને જાળવી રાખવામાં પણ તંત્ર નિષ્ફળ છે. રાજકોટની આજી નદીમાંથી અવરજવર કરવા માટે રાજાશાહી વખતમાં બેઠો પુલ બનાવવામાં આવ્યો હતો. તંત્રની બેદરકારીથી ચોમાસા બાદ આ પુલ તૂટી ગયા બાદ બંધ કરી દેવામાં આવ્યો છે. જેને લઈને હવે લોકો મોટી માત્રામાં કચરો અહીં ઠાલવી રહ્યા છે. આ કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતા આસપાસના વિસ્તારમાં રોગચાળો વકરી રહ્યો છે. ત્યારે તાત્કાલિક બેઠા પુલને ઊંચો લઈને રેલિંગ સાથે નવીનીકરણ કરવામાં આવે તેવી માગ સ્થાનિકો કરી રહ્યા છે.

પુલ તૂટી જવાથી વાહનોની અવરજવર બંધ કરાવી હતી પ્રાપ્ત વિગત મુજબ, ખત્રીવાડ તરફથી બેડીપરા બાજુ જવા માટે રાજાશાહી વખતમાં આજીનદી ઉપર બેઠા પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેને લઈ બેડીપરા ખાતે આવેલા વિવિધ વિસ્તારમાં રહેતા હજારો લોકોને અવરજવર માટે આ પુલ ઉપયોગી બન્યો હતો. જોકે બ્રિજ ઘણો નિચો હોવાથી અને રેલિંગ નહીં હોવાથી ચોમાસા દરમિયાન લોકોને હાલાકી પડતી હતી, પરંતુ ચાલુ વર્ષે ભારે વરસાદના કારણે આ પુલ તૂટી જવાથી વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે. ત્યારથી આ બેઠા પુલમાં લોકો મોટી માત્રામાં કચરો ઠાલવી રહ્યા છે અને બેડીપરાથી ખત્રીવાડ તરફ રોજ અવરજવર કરતા વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *