ધોરણ-12માં ઓછા માર્ક્સ આવશે એવી ચિંતામાં સગીરાએ સ્કૂલ પાસે એસિડ પી લીધુ

રાજકોટના નવલનગર-9માં વિશ્વેશ્વર મંદિર સામે રહેતી જાહલ વિપુલભાઇ ચાવડા (ઉ.વ.17) નામની છાત્રાએ એક વર્ષ પહેલા અમિન માર્ગ પર આવેલી બારદાનવાલા સ્‍કૂલ પાસે પાર્કિંગમાં એસિડ પી લેતાં રાજકોટ હોસ્‍પિટલમાં અને બાદમાં અમદાવાદ ખાતે સારવાર માટે ખસેડાઇ હતી. લાંબી સારવાર બાદ હાલ ઘરે હતી. આ દરમિયાન સવારે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી પરંતુ, અહી તબીબે મૃત જાહેર કરતાં સ્‍વજનોમાં શોક છવાઇ ગયો હતો. આપઘાત કરનાર જાહલબેન એક ભાઇથી મોટી હતી. તેના પિતા બોરવેલ પાર્ટસની દૂકાનમાં નોકરી કરે છે. જાહલ જે-તે વખતે ધોરણ-11માં ભણતી હતી તેને ત્‍યારે પરીક્ષામાં ઓછા માર્કસ આવ્‍યા હોઇ આગળ જતાં 12માં ધોરણમાં તકલીફ પડશે તેવી ચિંતામાં તે રહેતી હતી.

આથી ઘરેથી શાળાએ જતી વખતે રસ્‍તામાં કોઇ દૂકાનેથી એસિડ લીધુ હતું અને બાદમાં શાળાના પાર્કિંગ પાસે પી લીધું હતું. એક વર્ષની સારવાર બાદ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ જવા પામ્યો હતો. આ બનાવ અંગે હોસ્‍પિટલ પોલીસ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *