રાજકોટ નાગરિક બેંકના વાઇસ ચેરમેન અને તેના સગા નાના ભાઇએ માલિયાસણમાં આવેલી 10 એકર જમીનનો સોદો કર્યા બાદ 14 વર્ષ સુધી ખેડૂતને દસ્તાવેજ ન કરી આપ્યાના પ્રકરણનો મામલો કુવાડવા પોલીસ મથકમાં પહોંચ્યા બાદ પોલીસ ઇન્સ્પેક્ટર રબારીએ ખેતીની જમીનનો સોદો કરનારના વિધવા પત્નીનું નિવેદન લીધું હતું.
જેમાં મહિલાએ જીવણભાઇ જાગાણીની પોલ ખોલી નાખી હતી અને કહ્યું હતું કે,‘મારા પતિએ 2010માં 51 લાખ રૂપિયા ચેકથી આપ્યા બાદ 10 એકર જમીનનો દસ્તાવેજ કરી આપવા 2020 સુધી એટલે કે 10 વર્ષ ધક્કા ખાધા હતા, પરંતુ જીવણભાઇ જાગાણી અને તેમના સગા નાના ભાઇ ઇશ્વરભાઇએ માપણીનું બહાનું કાઢીને દસ્તાવેજ કરી આપ્યો ન હતો. પોલીસે વિધવા મહિલાનું નિવેદન લઇ જાદાણી બંધુ સામે કાનૂની રાહે કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે.
કુવાડવા રોડ પોલીસ મથકમાં અરજી કર્યા બાદ પોલીસ ઇન્સ્પેક્ટર રબારીએ હાલ અણિયારામાં રહેતા વિધવા મહિલા કાંતાબેન મનજીભાઇ વઘાસિયાને નિવેદન માટે બોલાવ્યા હતા. તેમાં કાંતાબેને જણાવ્યું હતું કે, માલિયાસણના રેવન્યુ સરવે નં-233માં આવેલી 10.10 એકર ખેતીની જમીન ખરીદવા માટે તેમના પતિ મનજીભાઇ કુરજીભાઇ વઘાસિયાએ 10-08-2010ના રોજ એક એકરના 40 લાખ લેખે સોદો કર્યો હતો અને સોદા પેટે રૂપિયા 51 લાખ રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ત્રંબામાં આવેલી શાખાના માધ્યમથી ચેકથી ચૂકવ્યા હતા. ત્યારબાદ દસ્તાવેજ કરી આપવા માટે મનજીભાઇએ આ સોદા વખતે હાજર દામજીભાઇ રામાણીને સાથે રાખીને હાલના રાજકોટ નાગરિક બેંકના વાઇસ ચેરમેન જીવણભાઇ જાગાણીની ઓફિસ, ઘર અને બેંક ખાતે જઇને અનેકવખત રજૂઆત કરી હતી. પરંતુ જીવણભાઇ અને તેમના ભાઇ માપણીનું બહાનું કાઢીને ધક્કા ખવડાવતા હતા.