રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી 2025 માટે મતદાન તારીખ 20 ડિસેમ્બરના રોજ યોજાવાની છે. ત્યારે ગઈકાલે ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાના અંતિમ દિવસે સાંજ સુધીમાં સેક્રેટરીમાં એક અને કારોબારીમાં એક એમ કુલ બે નામ પાછા ખેંચાતા હવે છ હોદ્દેદાર અને દસ કારોબારી સભ્યમાં ત્રણ પેનલ સહિત 51 ઉમેદવારનું આખરી ચિત્ર સ્પષ્ટ થયું છે,
બાર એસોસિએશનની ચૂંટણી 2025માં પ્રમુખ પદ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, ખજાનચી, લાઇબ્રેરી સેક્રેટરી વગેરે છ હોદ્દેદાર અને મહિલા અનામત સહિત 10 કારોબારી સભ્ય મળી કુલ 16 જગ્યા માટે ચૂંટણી તા.20 ડિસેમ્બરના રોજ યોજાવાની છે. જેમાં પ્રમુખ પદ માટે છ ઉમેદવાર, ઉપપ્રમુખ પદમાં ત્રણ અને સેક્રેટરીમાં ચાર, જોઇન્ટ સેક્રેટરીમાં બે, ટ્રેઝરરમાં ત્રણ, લાઇબ્રેરી સેક્રેટરીમાં બે, કારોબારી મહિલા અનામતમાં ચાર અને જનરલ કારોબારીમાં 27 ઉમેદવારોનું આખરી ચિત્ર હોવાનું બહાર આવ્યું છે. જેમાં ત્રિપાંખિયો જંગ મંડાઇ ચૂક્યો છે. જેમાં પ્રમુખ પદ માટે હરિસિંહ વાઘેલા, દિલીપભાઈ, નટવરલાલ જોષી, બકુલભાઈ રાજાણી, પરેશભાઈ મારૂ, અતુલકુમાર જોશી અને કૌશિક પંડ્યાનો સમાવેશ થાય છે. ઉપપ્રમુખમાં ત્રણ ઉમેદવારમાં મયંકકુમાર પંડ્યા, નીરવકુમાર પંડ્યા અને સુમિત વોરાએ ઉમેદવારી નોંધાવી છે.