ભાજપના વોર્ડ પ્રમુખની પસંદગી કરવા આજે બૂથ પ્રમુખ સાથે બેઠક

પ્રદેશ ભાજપ દ્વારા સંગઠન પર્વની ઉજવણી થઇ રહી છે અને સંગઠનની સંરચના કરવામાં આવશે. આ માટે શરૂ કરાયેલી ચૂંટણી પ્રક્રિયા પાંચ દિવસ માટે સ્થગિત કરવામાં આવી હતી. શુક્રવારથી ફરીથી તેનો પ્રારંભ થશે અને વોર્ડ પ્રમુખની પસંદગી માટે ચૂંટણી નિરીક્ષકો બૂથ પ્રમુખો સાથે બેઠક કરશે.

રાજકોટના 18 વોર્ડમાં ભાજપના નવા પ્રમુખની વરણી માટે 125 જેટલા આગેવાનોએ ફોર્મ ભર્યા છે. દરેક વોર્ડમાંથી પાંચથી વધુ ફોર્મ ભરાયા છે. વોર્ડ પ્રમુખ માટે મહત્તમ 45 વર્ષની વયમર્યાદા નક્કી કરવામાં આવી છે અને દરેક વોર્ડના બૂથ પ્રમુખોનો મત જાણી પ્રમુખ નક્કી કરવામાં આવશે તેવું નિરીક્ષકો દ્વારા અગાઉ જાહેર કરવામાં આવ્યું હતું.

વોર્ડ પ્રમુખની પસંદગી કરવા માટે શહેરના ચૂંટણી નિરીક્ષક માયાબેન કોડનાણી સહિતની ટીમ શુક્રવારે વિધાનસભા 68 અને 69ના બૂથ પ્રમુખોને મળશે અને દરેક વોર્ડના બૂથ પ્રમુખો સાથે બેઠક કરી તેમના વોર્ડ માટે પ્રમુખ પદે કોણ લાયક છે તેની માહિતી મેળવશે. દાવેદારી કરનાર આગેવાનોએ બૂથ પ્રમુખોના સંપર્ક શરૂ કરી દીધા હતા અને નિરીક્ષકો સમક્ષ પોતાના નામની ભલામણ કરાય તેવી અપીલો શરૂ કરી હતી. સંગઠનમાં જેમની ખાસ નોંધ લેવાતી નહોતી તેવા બૂથ પ્રમુખોની બોલબાલા શરૂ થઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *