સમગ્ર ભારતમાં સૌ પ્રથમ ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં ભણતા વિદ્યાર્થીઓને મધ્યાહ્ન ભોજન ઉપરાંત પૌષ્ટિક નાસ્તો પણ મળી રહે તે અર્થે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આજથી ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ નો શુભારંભ કરવામાં આવ્યો છે, ત્યારે રાજકોટ જિલ્લામાં કલેક્ટર પ્રભવ જોશીના હસ્તે બાળકોને પૌષ્ટિક નાસ્તો પીરસીને આ યોજનાના શ્રીગણેશ કરવામાં આવ્યા છે.
માધાપર પ્રાથમિક શાળા ખાતે ઉપસ્થિત રહી કલેક્ટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, આ યોજના અન્વયે રાજકોટ જિલ્લામાં 875 કેન્દ્ર ખાતે નાસ્તો તૈયાર કરી બાળકોને પીરસવામાં આવશે. જેનો આશરે 1 લાખ 30 હજાર બાળકોને લાભ મળશે. મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ બાળકોને સ્વાદિષ્ટ ભોજન બપોરે આપવામાં આવે છે, ત્યારે બાળકોને રોજ જુદો જુદો પૌષ્ટિક નાસ્તો પણ મળી રહેશે. જેનાથી બાળકોના સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે. કલેક્ટરે આ તકે સંસ્થાપક, મદદનીશ તેમજ રસોયાબેનને બાળકોને વ્યવસ્થિત નાસ્તો મળી રહે તે માટે સૂચના આપી તેમની કામગીરીને બિરદાવી હતી.