રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થયો છે. કચ્છમાં તાપમાનનો પારો 6થી 7 ડિગ્રી વચ્ચે જ્યારે ગિરનાર સહિતના સ્થળોએ તાપમાન 7થી 12 ડિગ્રી સુધી પહોંચ્યો છે. રાજકોટમાં પણ બર્ફીલા પવનો કારણે હાડ થીજવતી ઠંડી પડી રહી છે. પક્ષી-પ્રાણીઓને પણ આ ઠંડીની અસર થાય છે. જેને લઈને રાજકોટના પ્રદ્યુમનપાર્ક ઝૂ ખાતે પક્ષી અને પ્રાણીઓને ઠંડીથી રાહત મળે તે માટે મનપા દ્વારા ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જેમાં સિંહ, વાઘ, દીપડા સહિતના પ્રાણીઓ માટે નાઇટ શેલ્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે ચિત્તલ, સાબર, કાળીયાર, હોગ ડીયર સહિત તૃણાહારી પ્રાણીઓને સૂકા ઘાસની પથારી અને કંતાન વગેરેની હૂંફ આપવામાં આવી રહી છે.
પ્રાણીઓ માટે ખાસ નાઈટ શેલ્ટર બનાવવામાં આવ્યા રાજકોટ પ્રદ્યુમનપાર્ક ઝૂ અધિકારી ડો. આર કે. હીરપરાએ જણાવ્યું હતું કે, સિંહ, વાઘ, દીપડા, રીંછ વગેરે મોટા પ્રાણીઓને ઠંડીથી રક્ષણ આપવા માટે રાત્રિ દરમિયાન નાઇટ શેલ્ટર ઉભા કરવામાં આવ્યા છે. તમામ બારી દરવાજે કંતાન, લાકડાની પ્લાય તથા પુંઠાનો ઉપયોગ કરી બંધ કરવામાં આવી છે. જેથી ઠંડા પવનને પ્રવેશતો અટકાવી શકાય. એ જ રીતે ચિત્તલ, સાબર, કાળીયાર, હોગ ડીયર વગેરે તૃણાહારી પ્રાણીઓના પાજરામાં સૂકા ઘાસની પથારી કરવામાં આવી છે. જેથી રાત્રિ દરમિયાન પ્રાણીઓ સૂકા ઘાસ ઉપર બેસી હૂંફ મેળવી ઠંડી જમીનથી રક્ષણ મેળવે છે. જ્યારે સરિસૃપ કુળના પ્રાણીઓ જેવા કે તમામ પ્રકારના સોપના નાઇટ શેલ્ટરમાં ધાબળાના ટુંકડા તથા ખાસ પ્રકારના કાણાવાળા માટલાની અંદર ઇલેટ્રીક લેમ્પ ગોઠવવામાં આવ્યા છે. જેથી માટલું ગરમ થાય છે અને સાપ પોતાના શરીરનું તાપમાન સંતુલીત કરવા માટલાની બહારના ભાગે વિટાઇ જાય છે.