રાજકોટ શહેરમાં નવો જંત્રી વધારો લાગુ થવાની ભીતિએ દસ્તાવેજો કરવા માટે અરજદારોનો ધસારો વધ્યો છે અને તેના પરિણામે અનેક સબ રજિસ્ટ્રાર કચેરીમાં ટોકન લેવામાં મુશ્કેલી પડી રહ્યાની ફરિયાદો ઊઠી રહી છે અને તેમાં પણ સબ રજિસ્ટ્રાર કચેરી ઝોન-4 રૈયા વિસ્તારમાં 19મી સુધીની મુદત ન મળતા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે અને સ્લોટ વધારવા માગણી કરવામાં આવી છે.
રાજકોટ રેવન્યુ બાર એસોસિએશનના વર્તુળોમાંથી મળતી માહિતી અનુસાર રાજકોટ સબ રજિસ્ટ્રાર કચેરી ઝોન-4માં દસ્તાવેજ નોંધણી માટે છેલ્લા એકાદ સપ્તાહથી તારીખો મેળવવામાં મુશ્કેલી પડી રહી છે અને ટોકન ન મળતા હોવાની ફરિયાદો ઊઠી હતી. આ મુદ્દે આઇજીઆર ચારોલને પણ વકીલોએ રજૂઆત કરી હતી અને સ્લોટ વધારી આપવા માગણી કરી હતી. હાલમાં એકતરફ નવી જંત્રી લાગુ કરવા સરકાર તૈયારી કરી રહી છે.
બીજીબાજુ હાલમાં ગરવી વેબસાઇટ પર ટોકન લેવા માટે રજિસ્ટ્રેશન ફી ભરવામાં વિઝા કાર્ડ અને માસ્ટર ડેબિટ કાર્ડથી પેમેન્ટ બંધ થતા અને માત્ર ‘રૂપે કાર્ડ’ જ ચાલતું હોવાથી અરજદારો ભારે હેરાન-પરેશાન થઇ રહ્યાની રાવ ઊઠી છે.