રાજકોટના કાલાવડ રોડ પર મોટામવા વિસ્તારમાં આવેલી બાપા સીતારામ(સૂચિત) સોસાયટીના 40 અરજદારે મહાનગરપાલિકાએ આપેલી 260(1)ની નોટિસ બાદ ગેરકાયદે કોમર્સિયલ બાંધકામનું ડિમોલિશન ન થાય તે માટે હાઈકોર્ટમાં કરેલી અરજી પાછી ખેંચી લેવી પડી છે. ઉપરોક્ત જમીન મુદ્દે માલિક અને તેમાં ગેરકાયદે રહેતા લોકો વચ્ચે 18 વર્ષથી વિવાદ ચાલતો હતો જેમાં બંને પક્ષની દલીલોના અંતે હાઈકોર્ટે અરજીકર્તાઓ સામે આકરું વલણ અખત્યાર કરતાં દબાણકારોએ અરજી પાછી ખેંચી લીધી હતી. ત્યારે હવે 18 વર્ષથી ચાલતા વિવાદનો અંત આવ્યો છે અને મહાનગરપાલિકા હવે 260(2) મુજબની નોટિસ આપીને આગામી ટૂંક સમયમાં જ ગેરકાયદે બાંધકામ કરનારાઓની મિલકતો પર બુલડોઝર ફેરવશે. આ કેસમાં મૂળ માલિક ગીરધરભાઈ સોરઠિયા અને અરવિંદસિંહ જાડેજા વતી સેજપાલ એસોસિએટના વકીલો રોકાયા હતા.
બાપા સીતારામ(સૂચિત) સોસાયટી મુદ્દે મહાનગરપાલિકા અને કલેક્ટર તંત્રએ છેલ્લા 18 વર્ષથી ગોકળગતિએ કાર્યવાહી કરી હતી. બીજી બાજુ ધારાસભ્ય રમેશ ટીલાળાનો વિસ્તાર ન હોવા છતાં તેઓએ લેખિતમાં કલેક્ટરને રજૂઆત કરીને યોગ્ય કરવા જણાવ્યું હતું. બીજી બાજુ રાજકોટના વર્તમાન કલેક્ટર પ્રભવ જોશીએ તેમાં ન્યાયોચિત કાર્યવાહી કરીને સોસાયટીના દબાણકારોને માન્યતા ન આપી અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ ફરી ધારાસભ્ય ટીલાળાએ ફરિયાદ સહ સંકલનમાં દબાણકારો તરફે મુદ્દો ઉઠાવ્યો હતો છતાં તેમની કારી ફાવી ન હતી. આ ઉપરાંત એક ધાર્મિક સંસ્થાના આગેવાન પણ પાછલા બારણેથી દબાણકર્તાઓ માટે મહાનગરપાલિકાના સત્તાધીશો તેમજ અધિકારીઓ પર દબાણ લાવતા હતા. જોકે હવે હાઈકોર્ટે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દીધું છે ત્યારે રાજકોટના ધારાસભ્ય સહિતના નેતાઓ સાચા લોકો સાથે કેવો અન્યાય કરી રહ્યા છે તે મુદ્દાઓ પણ સ્પષ્ટ થઈ ગયા છે.