શહેરના યુનિ. રોડ પર રવિરત્ન પાર્ક સોસાયટીમાં રહેતા અને ઇન્સ્યોરન્સનુું કામ કરતાં હરેશભાઇ અમૃતલાલ મારડિયા (ઉ.વ.48)એ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સ્પીડવેલ પાર્ટી પ્લોટની સામે શિવ હાઉસમાં ઓફિસ ધરાવતા અમિત રમેશ ભાણવડિયાનું નામ આપ્યું હતું. હરેશ મારડિયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, અમિત ભાણવડિયા 15 વર્ષથી તેમના મિત્ર છે, કોરોનાકાળમાં ધંધામા નુકસાની જતાં અમિત ભાણવડિયા પાસેથી 3 ટકા વ્યાજે રૂ.5 લાખ લીધા હતા, ત્યારબાદ વધુ જરૂરિયાત ઉભી થતાં કટકે કટકે રૂ.28 લાખ વ્યાજે લીધા હતા, સામે અમિતે કોરો ચેક લખાવ્યો હતો, પોતે નિયમિત વ્યાજ ચૂકવતા હતા. 28 લાખની સામે 35 લાખ ચૂકવી દીધા હતા.
પોતે નાણાં ચૂકવતા તેની અમિત કે તેના કર્મચારીઅો યોગ્ય નોંધ કરતા નહોતા, હરેશભાઇએ ચેક પરત માગતા અમિતે રકમ મળી ગઇ હોવાથી ચેક ફાડી નાખ્યાનું કહ્યું, બાદમાં 2 ડિસેમ્બરે અમિતના મિત્ર એન.ડી.નામના શખ્સે હરેશભાઇના પત્ની વંદનાબેનને ફોન કરી અોફિસે બોલાવ્યા, સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસેની ઓફિસે હરેશભાઇ અને તેના પત્ની વંદનાબેન જતાં જ અમિતે રૂ.18 લાખની માગ કરી હતી, તમામ રકમ ચૂકવાઇ ગયાનું કહેતા અમિત ભાણવડિયા ઉશ્કેરાયો હતો અને તેણે દંપતીને ગાળો ભાંડી હતી અને હરેશભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપીને કહ્યું હતું કે, તારો ચેક પડયો છે તેમાં રકમ ભરીને તને ફસાવી દઇશ. પોલીસે અમિત ભાણવડિયા સામે વ્યાજખોરીનો ગુનો નોંધ્યો હતો, અગાઉ સોસાયટી ખાલી કરાવવા અમિત અને તેના મળતિયાઓએ કાવતરું રચી હુમલો કરતા કારખાનેદારનું મોત નીપજ્યું હતું, હત્યાના ગુનામાં ત્યારે ધરપકડ પણ કરી હતી.