રાજકોટમાં પ્રૌઢની હત્યા કરનાર આરોપીને પોલીસે દોરડે બાંધ્યા

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં 3 ઓક્ટોબરે સામે જોવા જેવી સામાન્ય બાબતે પ્રૌઢની હત્યા કરવાના કેસમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે બે અને ભક્તિનગર પોલીસે ત્રણ મળી કુલ પાંચ આરોપીને ઝડપી પાડ્યા છે. આ તમામ આરોપીને દોરડાથી બાંધીને ઘટનાસ્થળે લઇ જઈ રિકંસ્ટ્રક્શન કરાયું. આ સમયે PI પરમારે જાહેરમાં લોકોને ટકોર કરતા કહ્યું કે, અહીં કોઈ ડોન નથી, ગુનો કરશે એની આ જ હાલત થશે.

આજે (8 ઓક્ટોબર) રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે પકડેલા આરોપીઓ પૈકી એક આરોપી શાહ નવાઝ કુખ્યાત મૂર્ઘા ગેંગનો સાગરીત હોવાનું સામે આવ્યું છે. ગત 29 સપ્ટેમ્બરે ગુજસીટોકના ગુનામાં શાહ નવાઝ જામીન મેળવી જેલમાંથી બહાર આવ્યો હતો. હાલતેના જામીન રદ કરવા માટે કોર્ટમાં રિપોર્ટ કરાયો છે

રાજકોટ એસીપી ક્રાઇમ ભરત બસિયાએ જણાવ્યું કે, ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત 3 ઓક્ટોબરના રોજ એક હત્યાનો બનાવ બન્યો હતો, જેમાં આરોપીઓ દ્વારા ઇકબાલભાઇ ઉર્ફે જૂનાગઢી લોધીની લોખંડના પાઇપ વડે માર મારી હત્યા નિપજાવવામાં આવી હતી. હત્યા થયા પૂર્વે મૃતક ઇકબાલભાઇએ તેમના સૌથી મોટા પુત્ર સોહિલને ફોન કરીને જણાવ્યું હતું કે, જંગલેશ્વરમાં રહેતા દાનીશ અમીનભાઇ સાથે મારે ઝઘડો થયો છે, તો તું તપાસ કર કે દાનીશે મારી સામે કોઈ પોલીસ કેસ કર્યો છે કે નહીં? ત્યારબાદ મોડી રાત્રે 1.15 વાગ્યા આસપાસ તેના મિત્રએ સોહિલને કહ્યું કે, તું જલ્દી ખ્વાજા એપાર્ટમેન્ટ નીચે આવેલા નિસ્બત પાન પાસે આવ અહીં તારા પપ્પાને દાનીશ સાથે માથાકૂટ થઈ છે અને તારા પપ્પા લોહીલુહાણ તથા બેભાન હાલતમાં જમીન પર પડેલા છે.

આરોપીઓ આણંદ બાદ છુટા પડી ગયા હતાં
આ હત્યા કેસમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે બે આરોપી શાહનવાઝ વેતરણ અને અબઝલ મકરાણીની ગોવાથી ધરપકડ કરી. જ્યારે ભક્તિનગર પોલીસે સુફિયાન આરબ અને રિયાઝની ધરપકડ કરી છે. પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું કે, હત્યાને અંજામ આપ્યા બાદ તમામ આરોપીઓ પ્રથમ મોરબી નાસી છૂટ્યા હતા અને ત્યાંથી આણંદ પહોંચી બાદમાં તમામ છુટા પડી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *