તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને પુડુચેરીની 5 વિધાનસભા બેઠકો તેમજ આસામની નગાંવ લોકસભા બેઠકની પેટાચૂંટણીના પરિણામો આજે જાહેર થશે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. આ બેઠકો પર 6 ઓક્ટોબરે મતદાન થયું હતું.
બંગાળની નંદીગ્રામ અને રેજીનગર બેઠકો પર સૌની નજર છે. નંદીગ્રામમાં TMCના ઉમેદવારે ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. ત્યારબાદ મમતા બેનર્જીએ જે કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપ્યું હતું, તેમની ધરપકડ થઈ હતી. જોકે, તેમને ચૂંટણી માટે જામીન મળી ગયા હતા. હવે અહીં BJP અને કોંગ્રેસ વચ્ચે મુકાબલો છે.
આસામની નગાંવ લોકસભા બેઠક પર BJPના દેવાશિષ શર્મા, કોંગ્રેસના સિબામોની બોરા અને AIUDF પ્રમુખ બદરૂદ્દીન અજમલ વચ્ચે ત્રિકોણીય મુકાબલો છે.
તમિલનાડુમાં ધારાસભ્યોના પક્ષ બદલવાથી પેટાચૂંટણી, અસમમાં સાંસદનું રાજીનામું
તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, પુડુચેરી અને અસમમાં આ જ વર્ષે વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ હતી. તમિલનાડુમાં 2 ધારાસભ્યોના પક્ષ બદલવા અને રાજીનામું આપવાથી 2 બેઠકો ખાલી થઈ. પુડુચેરીમાં CM એન. રંગાસામીના 2 બેઠકો પર વિજય બાદ એક બેઠક છોડવાથી પેટાચૂંટણી યોજાઈ.
બંગાળમાં પણ CM શુભેન્દુ અધિકારી અને હુમાયૂ કબીરે 2-2 બેઠકો પર ચૂંટણી જીતી. આ પછી તેમણે એક-એક બેઠક છોડવી પડી. તો બીજી તરફ, અસમમાં સાંસદ પ્રદ્યુત બોરદોલોઈએ ધારાસભ્ય બનવા માટે લોકસભા બેઠક પરથી રાજીનામું આપ્યું હતું. આના કારણે અહીં પેટાચૂંટણી યોજાઈ.