સન્ની પાજીએ રહેણાક પ્લોટ પર રેસ્ટોરન્ટ ખડકી દીધું!

રાજકોટ શહેરના ડેપ્યુટી મેયર ટીકુભા જાડેજા, તેના ભાઇ સહિત 3 લોકો પર નજીવી બાબતમાં સન્ની પાજી કા ઢાબાના સંચાલક કુખ્યાત સન્નીએ છરીથી હુમલો કર્યાની ઘટના બાદ તેનું રેસ્ટોરન્ટ રહેણાક પ્લોટ પર અને ગરીબોને ફાળવવામાં આવેલા 25-25 વારના પ્લોટમાં દબાણ કરીને ઊભું કરાયાની ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી છે. તેમજ જૂન-2020માં રાજકોટના તત્કાલીન તાલુકા મામલતદારે રહેણાક હેતુના પ્લોટમાં ઢાબા બનાવવા મુદ્દે સન્ની પાજીને શરતભંગની કાર્યવાહી માટે નોટિસ આપી હતી, પરંતુ ત્યારબાદ રાજકોટ કલેક્ટર તંત્રે કોઇ કાર્યવાહી ન કર્યાની ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી છે.

રાજકોટ તાલુકા મામલતદાર કાર્તિક મકવાણાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ટીઆરપી અગ્નિકાંડની ઘટના બાદ જિલ્લા કલેક્ટરની સૂચનાથી શહેરના હાઇવે પર આવેલા વિવિધ રેસ્ટોરન્ટની જમીન, તેના હેતુ સહિતના મુદ્દે તપાસ હાથ ધરી હતી જેમાં જામનગર રોડ પર ઘંટેશ્વર સરવે નં.79માં સન્ની પાજી કા ઢાબા નામનું રેસ્ટોરન્ટ આવેલું છે. આ રેસ્ટોરન્ટના માલિક પાસેથી તેના આધાર-પુરાવા માગતાં તેમણે વર્ષો પહેલાં યુએલસીની હરાજીમાં પ્લોટ નં.28 અથવા 29 અને 30 એમ બે 300-300 ચોરસ વારના બે રહેણાક હેતુના પ્લોટ ખરીદ કર્યાનું અને તેમાં હેતુફેર કર્યા વગર જ રેસ્ટોરન્ટનું બાંધકામ ખડકી દીધાનું બહાર આવ્યું હતું. આ હોટેલના સંચાલકે પાછળના ભાગે ગરીબોને ફાળવવામાં આવેલા 25-25 ચો.મી.ના આવાસના પ્લોટ પર પણ દબાણ કર્યાની શંકા છે. આ બાબતે હાલમાં તપાસ ચાલુ છે. જ્યારે રહેણાક હેતુના યુએલસીના પ્લોટમાં કોમર્સિયલ બાંધકામ ખડકી દેવાના મુદ્દે સન્ની પાજી કા ઢાબાના સંચાલક સન્ની સામે શરતભંગની નોટિસ આપી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *