સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ ખાતે આગામી તા.21ને ગુરૂવારથી ત્રણ દિવસ યોજાનારી ચિંતન શિબિરમાં રાજકોટ જીલ્લા કલેકટર પ્રભવ જોશી રાજકોટ જીલ્લાના પ્રવાસન સ્થળોના વિકાસના મુદ્દે ખાસ પ્રોજેકટ રજૂ કરવાના છે. રાજકોટ જિલ્લામાં ખંભાલીડાની ગુફા, વીરપુરની મીનળદેવી વાવ, ઉપલેટાના ઢાંકની પ્રાચીન ગુફા, હિંગોળગઢ સહિતના અનેક પ્રવાસન સ્થળો અને યાત્રાધામો આવેલ છે. જેના વિકાસ માટે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. થોડા સમય પહેલા જ યાત્રાધામ ઘેલા સોમનાથ ખાતે પણ યાત્રાળુઓ માટે ગેસ્ટહાઉસ, નદી પરના ઘાટ, ધ્વજારોહણ માટેની વ્યવસ્થા સહિતના વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવેલ હતું.
તે અંગે કલેકટર પ્રભવ જોશી આ ચિંતન શિબિરમાં ખાસ પ્રોજેકટ રજુ કરનાર છે. આ શિબિરમાં રાજકોટ સહિત રાજયના તમામ જીલ્લાઓના કલેકટરો-જીલ્લા વિકાસ અધિકારીઓ, પોલીસ કમિશનરો, જીલ્લા પોલીસવડા સહિતના IAS-IPS અધિકારીઓ ભાગ લેનાર છે. આ અંગેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવેલ છે. શિબિરમાં રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજય સરકારના કેબિનેટ અને રાજય કક્ષાના તમામ મંત્રીઓ પણ હાજરી આપનાર હોય. શિબિરમાં અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવનાર છે. તેની સાથોસાથ રાજયના વિકાસને નવી દિશા આપવા માટે ખાસ પ્રોજેકટો ઉચ્ચ વહીવટી અધિકારીઓ રજુ કરનાર છે.