રાજ્ય સરકાર દ્વારા દિવાળીનું વેકેશન 21 દિવસનું જાહેર કરવામાં આવેલું છે. શૈક્ષણિક વર્ષ 2024-25 જૂનમાં શરૂ થયા બાદ રાજકોટ શહેરમાં ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટના તેમજ જન્માષ્ટમી પછીના દિવસોમાં અતિવૃષ્ટિના કારણે લગભગ 15 દિવસ શૈક્ષણિક કાર્ય બંધ રહેલું. ત્યારે ધોરણ 10 અને 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખી અમુક શાળાઓમાં ચાલી રહેલા શિક્ષણ કાર્યમાં વાલીઓ, શિક્ષણ વિભાગ તેમજ વિદ્યાર્થી સંગઠનોને સહયોગ આપવા અને ચાલુ રાખવા દેવા શાળા સંચાલક મંડળે જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરી છે.
આ અંગે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી. મહેતાએ જણાવ્યું કે, આ વર્ષે શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12ની પરીક્ષા ગયા વર્ષની સરખામણીએ લગભગ 15 દિવસ વહેલી લેવાનું નક્કી કરાયું હોવાથી વિદ્યાર્થીઓના લગભગ 25 જેટલા શૈક્ષણિક દિવસો બગડેલા છે. ત્યારે સ્વનિર્ભર શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષણના વિશાળ હિતમાં દિવાળીની પછીની રજાના દિવસોમાં બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને વાલીઓની પૂર્વ સંમતિ સાથે અને ફક્ત હાજર રહેતા વિદ્યાર્થીઓને રિવિઝન અથવા ડાઉટ સોલ્વિંગ કરવાના ઉદ્દેશ્યથી દબાણ વિના શાળામાં બોલાવાય છે. જેની કોઈ વધારાની ફી વસૂલવામાં આવતી નથી.