રાજકોટના નવા થોરાળામાં રહેતા વિચરતી જાતિના 22 જેટલા પરિવારો બુધવારે કલેક્ટર કચેરી ખાતે દોડી આવ્યા હતા અને નસબંધીમાં સરકાર દ્વારા અપાયેલા 25-25 ચો.મી.ના પ્લોટમાં માથાભારે તત્ત્વોએ દબાણ કર્યા હોય તે ખાલી કરાવી આપવા માગણી કરી હતી. કલેક્ટરને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, ભાવનગર રોડ પર નવા થોરાળા વિસ્તારમાં રહેતા વિચરતી જાતિના લોકોને વર્ષ 1989માં શહેરી ઝોન ટોચ મર્યાદા ધારો 1976 કલમ-23 હેઠળ 22 પરિવારને સરકારના નસબંધીના કાર્યક્રમમાં જોડાવવા બદલ નવાગામ, આણંદપર, કુવાડવાના ખરાબાની જગ્યામાં 25-25 ચો.મી.ના પ્લોટ આપવામાં આવ્યા હતા.
આ જગ્યા ખુલ્લી હોવાથી આ જગ્યા પર માથાભારે શખ્સો દ્વારા દબાણ કરવામાં આવેલ છે. લાભાર્થીઓ પરિવાર સાથે પ્લોટનો કબજો લેવા જાય ત્યારે મારામારીના બનાવો બનતા હોવાનું જણાવ્યું છે, તો આ 22 પરિવારને મળેલા પ્લોટની તપાસ કરાવવા અને 40 વારના પ્લોટ આપવા માગણી કરાઇ છે.