શહેરને ધમરોળતાં તસ્કરોએ દિવાળીના તહેવાર પર પણ બહાર ફરવા ગયેલા લોકોના બંધ મકાનને નિશાન બનાવ્યા હતા. રાજલક્ષ્મી સોસાયટીનો પરિવાર દિવાળીના તહેવાર પર પરિચિતની વાડીએ ગયો હતો ત્યારે તેમના બંધ મકાનમાં ખાબકી તસ્કરો રૂ.1.87 લાખનો દલ્લો ઉઠાવી ગયા હતા.
રાજલક્ષ્મી સોસાયટીમાં રહેતા અને મીરા ઉદ્યોગ વિસ્તારમાં સબમર્સિબલનું કારખાનું ધરાવતાં હર્ષદભાઇ વિનુભાઇ સોરઠિયા (ઉ.વ.38)એ ચોરીની ઘટના અંગે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હર્ષદભાઇ સોરઠિયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.3ના તે તથા તેના પત્ની સહિતનો પરિવાર મહિકા ગામે તેમના મિત્રની વાડીએ ગયા હતા અને ત્યાં જ રોકાઇ ગયા હતા. તા.5ના મકાનમાં નીચેના ભાગે ભાડે રહેતા લતાબેન સોજીત્રાએ ફોન કરીને ઘરમાં ચોરી થયા અંગેની જાણ કરી હતી.
ચોરીની જાણ થતાં જ હર્ષદભાઇ સહિતના પરિવારજનો પરત દોડી આવ્યા હતા અને તપાસ કરતાં તેમના મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર ઘૂસેલા તસ્કરો કબાટમાંથી રૂ.1.87 લાખના સોનાના દાગીના ઉઠાવી ગયા હતા. ચોરીની ઘટના અંગે પોલીસે ગુનો નોંધી રાબેતા મુજબ તપાસ શરૂ કરી હતી.