રાજકોટના કાળીપાટ ગામમાં ખેડૂતે પોતાના ઘેર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેના પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. છેલ્લા બે વર્ષથી ખેતીમાં ઊપજ બરાબર નહીં થતાં આર્થિક સંકડામણથી કંટાળી જઇ આ પગલું ભરી લીધાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કાળીપાટ ગામે રહેતા વિઠ્ઠલભાઇ નાનજીભાઇ મકવાણા (ઉ.65) એ પોતાના ઘેર પંખાના હૂકમાં દોરડું બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બહારથી ઘેર આવેલા તેના પુત્રને પિતાની લાશ લટકતી જોવા મળી આવતા દેકારો કરતા પરિવારજનો એકઠા થઇ ગયા હતા. બનાવની જાણ કરતા આજી ડેમ પોલીસ મથકના પીએસઆઇ ચુડાસમા તેમજ જયપાલભાઇ સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં ખેતીકામ કરતા મૃતક વિઠ્ઠલભાઇને ત્રણ પુત્ર હતા જેમા બે પુત્રના અગાઉ અવસાન થયા હોવાનું તેમજ છેલ્લા બે વર્ષથી ખેતીકામમાં નીપજ બરોબર નહીં થતા આર્થિક ભીંસમાં સપડાયા હોય પગલું ભરી લીધાનું પરિવારે જણાવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.