બગસરાના માણેકવાડા ગામના સરપંચ સાથે રૂ. 4.25 લાખની ઠગાઇ

બગસરાના માણેકવાડાના સરપંચ અને ટ્રાવેલ્સના ધંધાર્થી સાથે રૂ. 4.25 લાખની ઠગાઈ થતાં ગોંડલ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી. સરપંચે ઉછીના લીધેલ રૂપિયાની ભરપાઈ કરવાં પોતાની લક્ઝરી બસ મોટા દડવાના શખ્સને રૂ. 6.30 લાખમાં વેંચ્યા બાદ આરોપીએ રૂ. 2.05 લાખ આપી હાથ ઊંચા કરી વિશ્વાસઘાત કર્યો હતો.

માણેકવાડા ગામે રહેતાં વિપુલભાઇ સાવલીયા (ઉ. વ. 46) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે નયનપરી ગોસ્વામી (રહે.મોટા દડવા, ગોંડલ)નું નામ આપતાં ગોંડલ સીટી બી. ડિવિઝન પોલીસે છેતરપીંડીની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ માણેકવાડામાં છેલ્લા દોઢેક વર્ષથી સરપંચ તરીકે સેવા આપે છે, ટ્રાવેલ્સનો ધંધો પણ કરે છે. બસ નં. જીજે.01.બીવી.9086 જે આઠેક મહીના પહેલા અમદાવાદથી લીધેલ હતી.

ગઇ તા. 05/07/2024ના ગોંડલના નિખીલભાઈ દેત્રોજા પાસેથી રૂ. 1.55 લાખ એક મહિના માટે ઉછીના લીધેલ હતા. પૈસાની ગેરેંટી માટે લક્ઝરી બસ મુકેલ હતી. ત્યારબાદ એક મહીના બાદ વ્યવસ્થા ન થતા લક્ઝરી બસ વેચીને નિખીલભાઈને પૈસા આપી દેવા વાત કરી હતી. જેથી દોઢેક મહીના પહેલા તેમને રૂપીયા લેવા સમયે વચ્ચે રહેનાર વિશાલે ફોન કરી વાત કરેલ કે, તમારે લક્ઝરી બસ વેચવાની હોય તો એક ખરીદનાર મારા ઓળખીતા નયનપરી ગૌસ્વામી છે, તા. 30/07/2024ના નયનપરી ગૌસ્વામી બસ જોઈ આવેલ, રૂ. 6.30 લાખમાં વેચવાનુ નક્કી કરેલ હતુ. જે પૈસા પૈકી રૂ. 1.55 લાખ નયનપરીએ તા. 01/08/2024ના નિખીલ દેત્રોજાને ગુંદાળા ચોકડી ખાતે વિશાલ હસ્તક આપેલ હતા. બસની કિંમત રૂ. 6.30 લાખ પૈકી નયનપરીએ બાકીની રકમ રૂ. 4.25 લાખ 1 મહિનામાં સુધીમાં લોન દ્વારા ચુકવી આપવા તેવું લખાણ કરાયેલ હતું. આરોપીએ ખોટા વાયદાઓ કરી રૂ. 4.25 લાખની છેતરપીંડી આચરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *