સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 13 વિદ્યાશાખાના ડીનની સંભવિત યાદી અગાઉ જાહેર કરવામાં આવી હતી. જેમાં યુનિવર્સિટીના અધ્યાપકોને સાઈડ લાઈન કરી કોલેજોના આચાર્યોને મહત્વ આપવામાં આવતા કુલપતિ સમક્ષ રજૂઆત થઈ હતી. જોકે તેમાં કુલપતિએ ધાર્યુ કર્યુ અને યુનિવર્સિટીના ભવનોના પ્રોફેસરોને સાઈડલાઈન કરી મોટાભાગે કોલેજોના આચાર્યોને 13 ફેકલ્ટીના ડીન બનાવી દીધા. જે નિમણૂક 5 વર્ષ માટે કરવામા આવી. જેમાં એજ્યુકેશન ફેકલ્ટીના ડીન તરીકે પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા અને કોલેજના આચાર્ય ડૉ. નિદત બારોટની નિમણૂક કરવામા આવી છે. મોટાભાગે આવું અન્ય એક પણ સરકારી વિશ્વવિદ્યાલયમાં થયું નથી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસરને બદલે કોલેજોના આચાર્યને પ્રાથમિકતા આપવામા આવતા આશ્ચર્ય સામે આવ્યુ છે.
જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રવકતા અને પૂર્વ સેનેટ સભ્યને એજયુકેશન ફેકલ્ટીના ડીન બનાવવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યની 16 વિશ્વ વિદ્યાલયો માટે ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એકટ એટલા માટે બનાવ્યો કારણકે વિશ્વ વિદ્યાલયોમાં સેનેટ – સિન્ડિકેટની ચૂંટણી ન થાય અને તેમાં પરોક્ષ રીતે પણ ભાજપ સામે કોઈ પ્રતિસ્પર્ધી ન રહે. તેવામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તેનો છેદ ઉડાવતા કોંગી સભ્યને ડીન બનાવાયા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ . કમલ ડોડિયા અને ઇન્ચાર્જ કુલસચિવ ડૉ. રમેશ પરમારની અગાઉ દિવસભર બંધ બારણે બેઠક ચાલી હતી. જેમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટ કે એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્યોને બાકાત રાખી સંભવિત ડીનની યાદી બનાવી હતી. જેમાં કોલેજ આચાર્ય એવાં કોંગી નેતા ડૉ. નિદત બારોટને એજયુકેશન ફેકલ્ટીના ડીન બનાવવામાં આવ્યા હતા. આ સિવાય અન્ય 12 ફેકલ્ટી ડીન જાહેર થયા હતા. વધુમાં જાણવા મળતી વિગત મુજબ, ભાવનગર, કચ્છ અને ગુજરાત યુનિવર્સિટીમાં નવા ગુજરાત પબ્લિક યુનિવર્સિટી સ્ટેચ્યુટ મૂજબ ડીન જાહેર કરવામા આવ્યા. જેમાં પહેલા યુનિવર્સીટીમાંથી પ્રોફેસર, જો તે ન હોય તો બાદમા એસોસિએટ પ્રોફેસર અને તે પણ ન હોય તો પછી NAAC (નેશનલ અસેસમેન્ટ એન્ડ એક્રેડીએશન કાઉન્સિલ) ગ્રેડેશન ધરાવતી કૉલેજના આચાર્ય હોય. જોકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ઉપરોક્ત ત્રણેય યુનિવર્સિટીની વિરૂદ્ધમાં પ્રથમ પ્રાથમિકતા કોલેજના આચાર્યોને આપી દિધી અને તેનાથી કોંગી નેતાને લાભ થયો.