રાજકોટ શહેરમાં આગામી તહેવારોને લઈને દિવાળી કાર્નિવલની ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં 27 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 27 ઓક્ટોબરે આ દિવાળી કાર્નિવલનો કિસાનપરા ચોકથી પ્રારંભ કરવામાં આવશે. આ માટે આખા રેસકોર્સ રિંગ રોડને દુલ્હન જેવો શણગાર કરવામાં આવશે. તેમજ રિંગ રોડ પર દુબઈમાં થાય તે પ્રકારનો લેસર શો કરાશે. આ ઉપરાંત 30 ઓક્ટોબરે સાંજે એક કલાક આતશબાજી યોજાશે. એટલું જ નહીં દિવાળીમાં 500થી વધુ સ્પર્ધાત્મક રંગોળીનું આયોજન કરાયું છે. જેમાં પણ 500 કરતા વધુ બહેનો દ્વારા વિવિધ પ્રકારની રંગોળી કિસાનપરા ચોકથી લઈને ફનવર્લ્ડ સુધી કરવામાં આવશે.
મનપાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રંગીલું રાજકોટ તહેવારોની ઉજવણી કરવામાં અગ્રેસર રહેતું હોય છે. ત્યારે મનપાનાં શાસકો દ્વારા પણ રાજકોટમાં તહેવારો દરમિયાન વધુમાં વધુ લોકો ઉજવણી કરી શકે તેવા પ્રકારનું આયોજન દર વર્ષે કરાતું હોય છે. ચાલુ વર્ષે પણ રાજકોટનાં તમામ રાજમાર્ગો તેમજ મુખ્ય ચોકમાં લાઈટિંગ, ડેકોરેશન કરવામાં આવનાર છે. ધનતેરસે આતશબાજી અને દિવાળીએ રંગોળી સ્પર્ધા યોજવાનું મનપા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.