આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળામાં 30 દેશના 300 ડેલિગેશન રાજકોટના મહેમાન બનશે

સૌરાષ્ટ્ર વ્યાપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા 11થી 13 માર્ચ દરમિયાન આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળો યોજાશે. જેમાં 30 દેશમાંથી 200થી વધુ પ્રતિનિધિ મંડળ ઉપસ્થિત રહેશે અને તેઅો રાજકોટના મહેમાન બનશે. આ માટે ખાસ કમિટીની રચના જાહેર કરવામાં આવી છે. સ્થાનિક કક્ષાએથી અને દેશભરમાંથી 25 હજારથી વધુ મુલાકાતીઓ મુલાકાત લે તેવી સંભાવના છે. પ્રદર્શનમાં પ્રવેશ વિનામૂલ્યે રહેશે. તેમજ આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળામાં કરોડો રૂપિયાનો વેપાર થશે તેમ સૌરાષ્ટ્ર વ્યાપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ પરાગ તેજુરાએ જણાવ્યું છે.

વધુમાં તેના જણાવ્યાનુસાર 2025માં યોજાનારા આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળામાં ઘાના, સુદાન, બર્કિનાફાસો, ટોગો, તાન્ઝાનિયા, ઝામ્બીયા, ઝિમ્બાબ્વે, યુગાન્ડા, કેન્યા,સેનેગલ,કોંગો,ગેબોન, બાંગ્લાદેશ, ભુટાન, નેપાળ, શ્રીલંકા સહિતના 30 કરતા વધુ દેશમાંથી 200 કરતા વધુ ડેલિગેટ્સ-ઉદ્યોગપતિ મુલાકાત લેશે.તેમજ તેઓ 5 દિવસ સુધી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના વિવિધ ઔદ્યોગિક એકમોની મુલાકાત લેશે.પ્રાથમિક તબકકે 107 વિદેશી ડેલિગેટસ દ્વારા રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં સ્થાનિક 160થી વધુ કંપનીઓ ભાગ લેશે. આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળામાં કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં ચેરમેન તરીકે વિશાલ ગોહેલ તથા અન્ય સભ્યોની ટીમની વરણી કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *