જામનગર રોડ પર નાગેશ્વર જૈન દેરાસર પાસે શિખર એપાર્ટમેન્ટમાં રહેતા મહિલાને રસ્તામાં આંતરી અજાણ્યા શખ્સે તેને અને તેના પુત્રને મારી નાખવાની ધમકી આપતા પોલીસમાં ફરિયાદ કરી હતી. જેમાં તેના પતિ સામે કોર્ટમાં ખાધાખોરાકીનો કેસ ચાલતો હોય જે કેસ પાછો ખેંચી લેવા ધમકી આપી હોવાનું જણાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શિખર એપાર્ટમેન્ટમાં રહેતા સ્વાતિબેન જસ્મીનભાઇ પૂજારા (ઉ.36)એ ફરિયાદ કરી હતી. જેમાં આરોપી તરીકે અજાણ્યા શખ્સનું નામ આપ્યું હતું. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના પતિ મારકૂટ કરી ઝઘડાઓ કરતા હોય સને 2021થી તેનાથી અલગ રહેતી હોય એક્ટિવા લઇને ઘર માટે સામાન લેવા બહાર ગઇ હતી. તે દરમિયાન બાઇકસવારે રસ્તામાં આંતરી અને કહ્યું કે, તારા પતિ સામે ખાધાખોરાકીનો કેસ કોર્ટમાં કરેલ છે તે પરત ખેંચી લેજે, નહીંતર તને અને તારા છોકરાને જાનથી મારી નાખીશ. બાદમાં તેને મોબાઇલમાં શખ્સનો ફોટો પાડી લેતા તે શખ્સ નાસી ગયાનું અને મારું એવું માનવું છે કે, આવી ધમકી આપવા શખ્સને મારા પતિએ મોકલ્યો હોવાનું જણાવતા પોલીસે ગુનો નોંધી અજાણ્યા શખ્સને પકડી લેવા મથામણ કરી છે.