જસદણમાં જૂના યાર્ડ ખાતે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે વિકાસ સપ્તાહના ભાગરૂપે જસદણ તેમજ ગ્રામ્ય વિસ્તારના વિચરતી વિમુક્ત જાતિના 240 જેટલા પરિવારોને 100 ચો.વારના મફત પ્લોટ ફાળવણીની સનદ વિતરણ તથા ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ લાભાર્થી બહેનોને સહાય હુકમ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
દરેક વ્યક્તિને પોતાનું ઘરનું ઘર મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ છે. જરૂરિયાતમંદ દરેક લાભાર્થીને સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો લાભ મળે તે જ સરકારની પ્રાથમિકતા છે. ત્યારે તાલુકા વહીવટ તંત્ર દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં વિચરતી વિમુક્ત જાતિના લાભાર્થીઓને પ્લોટની ફાળવણી કરાઈ હતી. પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ લાભાર્થીઓને અભિનંદન પાઠવીને જણાવ્યું હતું કે, સૌનો સાથ સૌનો વિકાસ સૂત્રને વરેલી વર્તમાન સરકાર દરેક પરિવારને પોતાના ઘરનું ઘર મળી રહે તે માટે પ્રયત્નશીલ છે. તમામ લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન બનાવવા માટે પણ સહાય આપવામાં આવશે, આ ઉપરાંત લાભાર્થી જાતે મકાન બનાવે તો મનરેગા યોજના હેઠળ અલગથી રૂ.25 હજારની સહાય પણ આપવામાં આવશે. જરૂરિયાતમંદ તમામ લાભાર્થીઓને એન.એફ.એસ.એ યોજના હેઠળ દર મહિને 35 કિલો અનાજ પણ આપવામાં આવે છે. અન્ય કોઈ જરૂરિયાતમંદ લાભાર્થી સરકારની જન કલ્યાણકારી યોજનાથી વંચિત હોય તો તેમને શોધીને સરકારની યોજનાઓનો લાભ આપવા તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ અગ્રણીઓને અપીલ કરી હતી.