મંદિરના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે રૂ.10 કરોડની માતબર રકમ ફાળવી

જસદણ નજીકના સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ મંદિરને દ્વારકા અને સોમનાથની જેમ પવિત્ર યાત્રાધામ તેમજ પર્યટક સ્થળ તરીકે વિકસાવવા ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રૂ.10 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જે અનુસંધાને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાની ઉપસ્થિતિમાં ઘેલા સોમનાથ મંદિર ખાતે મંદિરના ટ્રસ્ટની બેઠક યોજાઇ હતી.

આ તકે મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતની સાંસ્કૃતિક, ઐતિહાસિક, ધાર્મિક સંસ્કૃતિને ઉજાગર કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. પાવાગઢ, સોમનાથ, દ્વારકા જેવા ધાર્મિક સ્થળોને વિકસાવવા રાજ્ય સરકાર પ્રોત્સાહન આપવાની સાથે સાથે આર્થિક સહાય પણ આપે છે. ત્યારે ઘેલા સોમનાથના વિકાસ માટે રાજ્ય સરકારે આગળ આવી રૂ.10 કરોડની માતબર રકમની ગ્રાન્ટ મંજૂર કરી છે. આ સાથે મંત્રીએ ટ્રસ્ટીઓ, સમાજ શ્રેષ્ઠીઓ, ઉદ્યોગ સાહસિકો સહિત દાતાઓને ઘેલા સોમનાથના વિકાસ માટે આર્થિક સહયોગ આપવા અપીલ કરી હતી.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અને ટ્રસ્ટના અધ્યક્ષ પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે પવિત્ર તીર્થધામ ઘેલા સોમનાથનું મહત્વ સોમનાથ જેટલું જ હોવાથી રાજ્ય સરકારે મંદિરના વિકાસ માટે સહયોગ આપ્યો હોવાથી મંદિરનો વિકાસ કરી વધુ સુવિધા ઉભી કરાશે. મંદિરના ઉપાધ્યક્ષ અને પ્રાંત અધિકારી ગ્રીષ્મા રાઠવાએ પ્રેઝન્ટેશનના માધ્યમથી ઘેલા સોમનાથ મંદિર અને ટ્રસ્ટમા થતી વિવિધ કામગીરી વિશે વિસ્તૃત જાણકારી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *