ગુજરાતનાં ચાર મોટાં શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ એરપોર્ટથી વિન્ટર ફ્લાઈટ્સ શરૂ થનાર છે. જેમાં સુરત અને રાજકોટ એરપોર્ટે વિન્ટર ફ્લાઈટ શિડ્યૂલ જાહેર કર્યું છે. સુરતથી બેંગકોક સહિત 8 નવી ફ્લાઇટ શરૂ થશે તો રાજકોટથી ડાયરેક્ટ હૈદરાબાદની સીધી જ ફ્લાઇટ મળશે. તો ગુજરાતીઓ સાચવી રાખજો આ વિન્ટર ફ્લાઈટ શિડ્યૂલ.
સુરતને દિવાળની ભેટ મળી છે. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દિવાળી પછી 8 નવી ફ્લાઈટ શરૂ થશે. સુરતથી શારજહાં અને દુબઈ ઉપરાંત હવે વિન્ટર શિડ્યૂલમાં ત્રીજી ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળવા જઈ રહી છે. એર ઈન્ડિયા એક્સપ્રેસ સુરતથી બેંગકોક સાથે મુંબઈ માટે પણ સીધી ઉડાન શરૂ કરશે. વધુમાં સુરતથી ગોવા, ચેન્નાઈ, ભાવનગર, મુંદ્રા, જામનગર, જોધપુર અને ભુજની ઉડાન શરૂ કરશે. આ તમામ ફ્લાઈટ્સનું શિડ્યૂલ જાહેર કરી દેવામાં આવ્યું છે. વિન્ટર શિડ્યૂલમાં આ તમામ ફ્લાઇટ શરૂ કરાશે.
એર ઇન્ડિયા એક્સપ્રેસનું બેંગકોક ખાતે સ્ટેશન સ્થાપિત થયા પછી એરલાઇન્સે વિન્ટર શિડ્યૂલમાં નવેમ્બર અંતમાં અથવા ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં વીકમાં 4 દિવસ સુરત-બેંગકોક- સુરત ફ્લાઈટ શરૂ કરવાની તૈયારી કરી છે. સોમ, બુધ, શુક્ર અને રવિવારે આ ફ્લાઈટ સુરતથી સવારે 06.30 વાગ્યે બેંગકોક જવા ટેક ઓફ થશે અને અને બેંગકોકથી સુરત બપોરે 14.50 વાગ્યે આવશે.