જેતપુરમાં ઓટો રીક્ષામાં બેસી એક પ્રૌઢા પોતાના ઘરે જતી હતી ત્યારે રિક્ષામાં બેઠેલા શખ્સોએ પ્રૌઢાની નજર ચૂકવી હાથમાં પહેરેલી સોનાની બંગડી કાઢી લીધી હતી. પોલીસે ત્રણ શખ્સને ઝડપી બંગડી કબ્જે લીધી હતી.
જલારામ નગર-૩માં રહેતા ભાનુબેન રવજીભાઈ રાઠોડ સ્ટેન્ડ ચોક પાસે રીક્ષા સ્ટેન્ડે ઉભા હતાં. ત્યારે ત્યાંથી એક ઓટો રીક્ષા નીકળી જેમાં ડ્રાઇવર સહિત ચાર લોકો બેઠા હતા જેમાંથી ડ્રાઇવરે જ તેમને કહ્યું કે આમાં બેસી જાવ અને પછી એક શખ્સ ભાનુબેનની બાજુમાં બેસી ગયો હતો અને તેણીના હાથ પર થેલો રાખી કશીક કારીગરી કરી હતી.
વૃધ્ધાને શંકા પડતાં તેમણે રીક્ષા ઉભી રાખવા કહ્યું અને ચાલકે તેને નીચે ઉતારી દીધા ત્યારે તેણીના હાથમાં બંગડી ન હતી. આથી પ્રૌઢાએ અજાણી ટોળકી સામે ફરિયાદ નોંધાવી હતી. જે અનુસંધાને પોલીસે મુન્નાભાઈ મકવાણા, રાકેશ રાજાણીની અટકાયત કરી હતી અને તેમની સાથે બે શખ્સ પરેશ સોલંકી અને ઉમેશભાઈ પણ હોવાનું જણાવેલ. જ્યારે બંગડી તેઓએ શહેરના હારવે ઘાટ પાસે રહેતા અમર ડાભીને વેચી હોવાનું જણાવતા પોલીસે અમરની ગુના હેઠળ ધરપકડ કરી બંગડી કબ્જે કરી હતી.