રાજકોટના ઢોર ડબ્બામાં 520ની કેપેસિટી સામે 1045 પશુ રાખ્યા

રાજકોટ શહેરનાં ઢોર ડબ્બામાં છેલ્લા 3 મહિનામાં કુલ 756 પશુઓનાં મોત નીપજ્યા હતા. સમગ્ર મામલાનો દિવ્ય ભાસ્કર દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યા બાદ વિપક્ષ દ્વારા સતત આ અંગે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. દરમિયાન આજે (30 સપ્ટેમ્બર) શહેર કોંગ્રેસનાં કોર્પોરેટર વશરામ સાગઠિયા અને કોમલબેન ભારાઈ સહિતનાએ શહેરનાં આજીડેમ પાસે આવેલા ઢોર ડબ્બા ખાતે સરપ્રાઈઝ દરોડો પાડયો હતો. જેમાં 532ની કેપેસિટી હોવા છતા 1045 પશુઓ રાખવામાં આવ્યા હતા. આ સાથે જ ભારે ગંદકી અને ઘાસ પણ અપૂરતું અપાતું હોવાનુ સામે આવ્યુ હતુ. આ સાથે જ ઢોર ડબ્બામાં જાણે ગુનાહિત કૃત્ય આચરવામાં આવતું હોય તેમ મીડિયાને એન્ટ્રી આપવાની મનાઈ ફરમાવવામાં આવી હતી.

રાજકોટ મહાનગરપાલિકાના કોંગ્રેસનાં કોર્પોરેટર વશરામ સાગઠિયાએ જણાવ્યું હતુ કે, ઢોર ડબ્બામાં છેલ્લા 3 મહિનામાં 756 ગાયોનાં મોત થયા છે. ત્યારે અહીં આજે મનપાના ચોપડે 6 ગાયના મોત થયાં છે, પરંતુ હકીકતમાં 10 પશુઓના મોત નીપજ્યા છે. અહીં ગૌમાતા સહિતના પશુઓને પૂરતો ઘાસચારો આપવામાં આવતો નથી. સાથે જ ઘાસચારામાં ધૂળ જોવા મળે છે. આ ઉપરાંત ભારે ગંદકી પણ જોવા મળી રહી છે. ભૂખમરા અને પશુઓના પેટમાં માટી જવાના કારણે મોત થયાં હોય તેવું લાગી રહ્યુ છે. આ ટ્રસ્ટનુ નામ જીવદયા છે, પરંતુ પશુઓને મરવા મજબૂર કરવામાં આવે છે. 532 પશુની કેપેસિટી હોવા છતા 1045 પશુઓ રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *